- લોકસભાની ચૂંટણીને લઇને AAPનું કેમ્પેઇન સોન્ગ
- ચૂંટણી પંચે કેમ્પેઇન સોન્ગને લઇને ફટકારી નોટિસ
- સૉન્ગનું ટાઇટલ છે જેલનો જવાબ વોટથી
લોકસભાની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચનો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે પાર્ટીના કેમ્પેઇન ગીત પર રોક લગાવવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે 25 એપ્રિલે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને અન્ય આપ નેતાઓની ધરપકડનો વિરોધ કરતુ ચૂંટણી પ્રચાર માટેનું ગીત રિલીઝ કર્યું હતું.
એવુ તો શું છે કેમ્પેઇન સોન્ગમાં ?
લોકસભાની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીએ જેલના જવાબ અમે વોટથી આપીશું આ નામનું કેમ્પેઇન સોન્ગ રજૂ કર્યુ હતું. સાથે જ આપ નેતાઓની ધરપકડના વીડિયો અને તસવીરો પણ દેખાડવામાં આવી હતી. જે મામલે દિલ્હી સરકારમાં મંત્રી આતિશી માર્લેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ચૂંટણી પંચ બીજેપીના આચાર સંહિતાના ઉલ્લંઘન પર કોઇ એક્શન લેતુ નથી. ભારતના ઇતિહાસમાં એવુ પહેલીવાર થયું છે કે કોઇ પાર્ટીના કેમ્પેઇન સોન્ગ પર રોક લગાવી હોય. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાર્ટીએ પોતાનું કેમ્પેન સોંગ લોન્ચ કર્યું હતું. બે મિનિટના આ પ્રચાર ગીતમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પણ જોવા મળ્યા હતા. આ ગીત પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડેએ લખ્યું છે.
શું કહે છે ચૂંટણી પંચ ?
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના પ્રચાર ગીત 'જેલ કા જવાબ વોટ સે'એ કેબલ પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કર્યું છે. કોઈપણ રાજકીય પક્ષ તેના પ્રચાર ગીત કે ચૂંટણી પ્રચારના વીડિયોમાં ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવી શકે નહીં. કોઈનું જેલમાં હોવું એ ન્યાયતંત્ર સાથે જોડાયેલી બાબત છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયે કહ્યું કે 'જેલ કા જવાબ વોટ સે' અભિયાનના ગીત પર ન્યાયતંત્ર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેથી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) એ ઝુંબેશ ગીતની સામગ્રીમાં સુધારાની ભલામણ કરી છે. આમ આદમી પાર્ટી સુધારા સાથે મંજૂરી માટે ફરીથી અરજી કરી શકે છે. આમ આદમી પાર્ટીને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તેઓ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીના નિર્ણય સાથે સહમત નથી તો તે CEOની અધ્યક્ષતાવાળી રાજ્ય સ્તરીય સમિતિમાં તેને પડકારી શકે છે.