- ચંદીગઢમાં સીએમ યોગીએ સંબોધી જનસભા
- કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
- ચંદીગઢમાં સંજય ટંડનના ચૂંટણી પ્રચાર અર્થે સંબોધી જનસભા
યુપીના સીએમ યોગી આદિત્યનાથે આજે ચંદીગઢમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે બીજેપી ઉમેદવાર સંજય ટંડનના સમર્થનમાં જનસભા સંબોધી હતી. મહત્વનું છે કે સંજય ટંડનની સામે કોંગ્રેસના મનીષ તિવારી મેદાને છે. ત્યારે સીએમ યોગીએ જનસભા સંબોધીને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલગાંધી દેશ છોડીને ભાગે છે
સીએમ યોગીએ સભા સંબોધતા રાહુલગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે જ્યારે પણ દેશ પર સંકટ આવે છે ત્યારે સૌથી પહેલા રાહુલ ગાંધી દેશ છોડીને ભાગી જાય છે. યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસે દેશને આતંકવાદ, નક્સલવાદ, ભ્રષ્ટાચાર અને અરાજકતા આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે દેશમાં કોરોનાનો સમયગાળો આવ્યો તે દરમિયાન ભાજપના કાર્યકરો અને નેતાઓ બધા રસ્તા પર હતા અને ગામડાઓમાં જતા હતા. તેમણે કહ્યું કે અમારા માટે સેવા જ ધર્મ છે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ક્યારેય ચંદીગઢ આવ્યા નથી અને કોઈ ગામમાં જોવા મળ્યા નથી.
કોરોનામાં કોંગી નેતાઓ ન દેખાયા
યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે જ્યારે કોરોના સંકટ આવ્યું ત્યારે અમે એક કરોડથી વધુ પ્રવાસીઓને ઉત્તર પ્રદેશમાં લાવ્યા હતા. તેમણે કહ્યું કે અમે 14 હજારથી વધુ બસોની વ્યવસ્થા કરી હતી અને દરેકને ઉત્તર પ્રદેશ લઈ આવ્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ દેખાતા ન હતા.
મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી
સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસના જ એક પીએમ કહેતા હતા કે દિલ્હીથી અમે 100 પૈસા મોકલીએ તો 15 પૈસા જ જનતા સુધી પહોંચે છે. એટલે કે કોંગ્રેસના દલાલો 85 પૈસા ખાતા હતા.
પરંતુ જ્યારે મોદીજી દિલ્હીથી 100 પૈસા મોકલે છે ત્યારે આખા 100 પૈસા ગરીબો સુધી પહોંચે છે કારણ કે તેમણે દરેકના ખાતા ખોલાવી દીધા હતા. મોદી સરકારની સિદ્ધિઓનું વર્ણન કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે મોદીજીના શાસનમાં 12 કરોડ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના સમયમાં ખેડૂતો આત્મહત્યા કરતા હતા. 12 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર 10 કરોડથી વધુ ઘરોમાં પહોંચી ગયા છે.