- લોકસભાની ચૂંટણીને લઇને હજારો ઉમેદવારો મેદાને
- ઘણા ઉમેદવારો છે કરોડોની સંપત્તિના માલિક તો
- ઘણા ઉમેદવાર પાસે સંપત્તિના નામે કશું જ નથી
ભારતમાં લોકશાહીના પર્વની શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ તબક્કાનું મતદાન થઇ ગયુ છે અને હવે બીજા તબક્કાને લઇને તૈયારીઓ થઇ રહી છે. કુલ 543 બેઠકો પર હજારોની સંખ્યામાં ઉમેદવારો મેદાને છે. ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે એવા ઘણા ઉમેદવાર છે જેઓની સંપત્તિ ના હોવા બરાબર છે અને એવા ઘણા ઉમેદવારો છે જેઓ અબજોપતિ છે. ત્યારે આવા જ એક ઉમેદવાર વિશે વાત કરીએ.
ભાજપના ઉમેદવાર પાસે કરોડોની સંપત્તિ
ભાજપના એક ઉમેદવાર પાસે 4568 કરોડ રૂપિયાની પારિવારિક સંપત્તિ છે. આ ઉમેદવાર છે તેલંગણાના ચેવેલ્લા લોકસભા બેઠકના ઉમેદવાર. તેમનુ નામ છે કે વિશ્વેશ્વર રેડ્ડી. તેમણે સોમવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું જેમાં આ માહિતી સામે આવી છે. તેમણે સ્થાવર અને જંગમ સંપત્તિને લઇને ખુલાસો કર્યો છે. રેડ્ડીના એફીડેવિટ અનુસાર તેમની પાસે 1250 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેમની પત્ની સંગીતા પાસે 3209.41 કરોડોની સંપત્તિ છે અને બાકીની સંપત્તિ તેમના પુત્રના નામે છે.
મિલકતનો આધાર શું છે?
કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ તેમના એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ લિમિટેડના 17.77 લાખ શેર છે. 6170 રૂપિયા પ્રતિ શેરના ભાવે આ શેર્સની કિંમત 973.22 કરોડ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની સંગીતા રેડ્ડી પાસે રૂ. 1500.85 કરોડના 24.32 લાખ શેર છે. સંગીતા રેડ્ડી એપોલો હોસ્પિટલ ગ્રૂપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે જેની સ્થાપના તેમના પિતા ડૉ સી પ્રતાપ રેડ્ડીએ કરી હતી.
BRS અને કોંગ્રેસમાં રહી ચૂક્યા છે
કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને યુએસએમાં પણ અભ્યાસ કર્યો છે. રેડ્ડીએ પોતાની રાજકીય કારકિર્દી ચંદ્રશેખર રાવની BRS (અગાઉની TRS) થી શરૂ કરી હતી. તેઓ ચેવલ્લા બેઠક પરથી સાંસદ પણ બન્યા હતા. જો કે, બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2019માં લોકસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. આ પછી તેઓ ભાજપમાં જોડાયા.