- આતંકી ફૈઝાનની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો
- ભોપાલ જેલમાં બંધ આતંકીઓની હત્યાનો લેવા માગતો હતો બદલો
- આતંકીઓના પરિજનોનો કરતો હતો આર્થિક મદદ
મધ્યપ્રદેશ ATS દ્વારા ખંડવાથી ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી ફૈઝાને પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે ભોપાલ જેલ બ્રેક બાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સિમીના 8 આતંકીઓના મોતનો બદલો લેવા માંગે છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન (IM)નો શંકાસ્પદ આતંકવાદી ફૈઝાન એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારજનોને આર્થિક મદદ પણ કરતો હતો.
5 દિવસના રિમાન્ડ પર ફૈઝાન
મધ્યપ્રદેશ ATSએ ફૈઝાનને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે. તેની પૂછપરછ ચાલુ છે. તેણે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. ફૈઝાને જણાવ્યું કે તે યાસીન ભટકલના ભટકલ ગામ પઠાણકોટ પણ ગયો હતો. તેનો ઈરાદો પુલવામા જવાનો પણ હતો, પરંતુ કડક સુરક્ષાને કારણે તે જમ્મુથી જ પાછો ફર્યો હતો. ATSએ ગુરુવારે ખંડવામાં દરોડો પાડીને ફૈઝાનની ધરપકડ કરી હતી.
4 જૂને ઝડપાયો ફૈઝાન
શંકાસ્પદ આતંકવાદી ફૈઝાનની 4 જૂને સિમીનો ગઢ ગણાતા ખંડવાના કંજાર મોહલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન એટીએસને ફૈઝાનના કબજામાંથી સિમી સંગઠનના સભ્યપદના ફોર્મ મળી આવ્યા હતા. આ ઉપરાંત અનેક આતંકી સંગઠનોનું સાહિત્ય, 4 મોબાઈલ ફોન, 1 પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ પણ મળી આવ્યા.
અબુ ફૈઝલ જેવો બનવા માંગતો હતો ફૈઝાન
આઈજી ડો.આશિષના જણાવ્યા અનુસાર આતંકવાદી ફૈઝાન લૉન વુલ્ફ એટેકની યોજના બનાવી રહ્યો હતો. તેના ઈરાદા ખૂબ જ ખતરનાક હતા. તેનું નિશાન સુરક્ષા દળોના જવાન હતા. ફૈઝાન આવા હુમલા કરીને પોતાને એક મહાન મુજાહિદ સાબિત કરવા માંગતો હતો. તેણે ઈન્ટરનેટ મીડિયા પર જેહાદી પોસ્ટ પણ કરી હતી. રિમાન્ડ દરમિયાન ફૈઝાને જણાવ્યું કે તે આતંકી અબુ ફૈઝલ જેવો બનવા માંગતો હતો.
ઓક્ટોબર,2016માં સિમીના 8 આતંકી ઠાર
મહત્વનું છે કે 2016માં ભોપાલ સેન્ટ્રલ જેલમાં બંધ સિમી સાથે જોડાયેલા 8 આતંકી કોન્સ્ટેબલનું ગળુ દબાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસે એલર્ટ જાહેર કરીને જેલથી 10 કિલોમીટર દૂર અચરપુરા-ઈંટખેડીની ટેકરીઓ પર આતંકીઓનો ઘેરાવો કરી લીધો હતો. ભોપાલ સ્થાનિક પોલીસ, CTG અને STFની ટીમોએ મળીને તમામ આઠ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં મુજીબ શેખ, અબ્દુલ મજીદ, ખાલિદ, અકીલ ખિલચી, ઝાકિર, સાલિક ઉર્ફે સલ્લુ, મહેબૂબ ગુડ્ડુ અને અમજદનો સમાવેશ થાય છે.