પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનું સૌથી મોટુ આયોજન બસ હવે પૂર્ણતાને આરે છે. મહાશિવરાત્રિએ છેલ્લુ અમૃત સ્નાન છે. ત્યારે આસ્થાના આ મહાપર્વમાં દેશ અને વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આવી પહોંચ્યા છે. મહાકુંભમાં સ્નાન કરવા માટે બોલિવૂડ સેલિબ્રિટી પણ લ્હાવો ચૂક્યાનથી. ત્યારે આજે અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી તમન્ના ભાટિયા મહાકુંભ પહોંચ્યા હતા. તેમણે સંગમ તટ ખાતે આસ્થાની ડૂબકી લગાવી હતી. પહેલા તમન્ના ભાટિયા પ્રયાગરાજ પહોંચી હતી. ત્યારબાદ અક્ષય કુમાર.
સીએમ યોગીનો આભાર- અક્ષય કુમાર
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના 43મા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. અત્યાર સુધીમાં, મહાકુંભ દરમિયાન 62 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. અભિનેતા અક્ષય કુમાર પણ પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. પૂજા કર્યા પછી, તેમણે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી અભિનેતા અક્ષય કુમારે કહ્યું, "હું અહીં આટલી સારી વ્યવસ્થા કરવા બદલ મુખ્યમંત્રી યોગીજીનો આભાર માનું છું.
કર્મચારી-પોલીસનો આભાર
મીડિયા સાથે વાત કરતા અક્ષય કુમારે કહ્યું કે અહીં આવીને ખૂબ આનંદ થયો. અહીં ખૂબ જ સારી વ્યવસ્થા છે. હું આ માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ખૂબ ખૂબ આભાર માનું છું... આ કુંભમાં બધા મોટા લોકો આવી રહ્યા છે અને જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે. હું બધા કર્મચારીઓ અને પોલીસનો આભાર માનું છું."
રેલવેએ 100 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવી
મહાકુંભના છેલ્લા સ્નાન મહોત્સવ મહાશિવરાત્રી પહેલા પ્રયાગરાજ પહોંચતી ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રવિવારે પણ પ્રયાગરાજ આવતી ટ્રેનો ભીડથી ભરેલી હતી. આ સમય દરમિયાન, મુસાફરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. મોડી સાંજ સુધીમાં, પ્રયાગરાજ સ્ટેશનોથી 102 ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાંથી મહત્તમ 50 ખાસ ટ્રેનો એકલા પ્રયાગરાજ જંકશનથી દોડી હતી.