ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જો કે મધરાત્રે થયેલી નાસભાગને લઇને સ્થિતિ થોડી ગંભીર બની હતી. સંગમ તટ પર સ્નાને લઇને રાતથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે દરમિયાન ભાગદોડ થવાને કારણે 10થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. આ ઘટનાને લઇને એવા અહેવાલ પણ મળ્યા હતા કે અમૃત સ્નાન આજે નહી થાય. પરંતુ શ્રદ્ધાળુઓના સ્નાન બાદ અમૃત સ્નાન કરવામાં આવી રહ્યું છે. 



સંગમમાં સ્નાન કરી રહ્યા અખાડાઓના સંત  

અમૃત સ્નાન માટે અખાડા નીકળ્યા છે. 13 અખાડાઓના સંતો મહંતો અમૃત સ્નાન માટે જઇ રહ્યા છે. આ રૂટ પર ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. સંતો પર હેલિકોપ્ટરથી ફુલો વરસાવવામાં આવી રહ્યા છે.  મહત્વનું છે કે  14મી જાન્યુઆરીએ પ્રથમ શાહી અમૃત સ્નાન કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇને અત્યાર સુધી 15 કરોડથી વધારે લોકોએ સંગમ તટ પર આસ્થાની ડૂબકી લગાવી છે. પરંતુ મૌની અમાસે બીજા અમૃત સ્નાનમાં  4 કરોડથી વધારે લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. આજના .મળતી માહિતી મુજબ આ એક જ દિવસમાં 10 કરોડ ભક્તો પવિત્ર સ્નાન કરી શકે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. 


હું ઘટનાથી દુઃખી- પીએમ મોદી 

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી દિલ્હીના કરતાર નગર પહોંચ્યા હતા. અહીં તેમણે જાહેર સભા સંબોધી હતી. પરંતુ સભા સંબોધન પહેલા તેમણે પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી નાસભાગને લઇને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે જણાવ્યું કે પ્રયાગરાજમાં જે ઘટના થઇ તેનાથી દુઃખી છુ. કેટલાક પુણ્યાત્માઓને ગુમાવવા પડ્યા છે. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હું પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. અને ઇજાગ્રસ્તે જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરુ છું. હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છું. મૌની અમાસને કારણે કરોડો શ્રદ્ધાળુઓ આજે મહાકુંભ પહોંચ્યા છે. કેટલાક સમય માટે સ્નાનની પ્રક્રિયામાં વિક્ષેપ આવ્યો હતો, પરંતુ છેલ્લા ઘણા કલાકોથી સુચારુ રૂપે યાત્રીઓ સ્નાન કરી રહ્યા છે. હું ફરી એકવાર એ પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. 

  • Follow us on: