• જાલના વિસ્તારમાં બની ઘટના
  • અર્ટિગા અને રોંગ સાઈડથી આવેલી સ્વિફ્ટ ડિઝાયરનો અકસ્માત
  • ઘાયલોને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા

મહારાષ્ટ્રના જાલનામાંથી પસાર થતા સમૃદ્ધિ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

રાત્રે 11 વાગ્યે બની ઘટના

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જાલના વિસ્તારમાં સમૃદ્ધિ હાઈવે પર કડવંચી ગામ પાસે ચેનલ નંબર 371 મુંબઈ કોરિડોર વિસ્તારમાં રાત્રે 11 વાગ્યે થઈ હતી. અહીં એક અર્ટિગા કાર નાગપુરથી મુંબઈ જઈ રહી હતી ત્યારે રોંગ સાઈડથી આવી રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ 7 લોકોના મોત થયા હતા, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા હતા.

ક્રેનની મદદથી બંને કારને સાઈડમાં ખસેડવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ સમૃદ્ધિ હાઈવે પોલીસ અને તાલુકા જાલના પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ક્રેઈનની મદદથી બંને કારને સાઈડમાં ખસેડી હતી. પોલીસે ઘાયલોને જાલનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા.

ઘાયલોને છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા

જાલના સરકારી હોસ્પિટલથી મળી રહેલી માહિતિ અનુસાર ચાર ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને છત્રપતિ સંભાજીનગર મોકલવામાં આવ્યો છે. 15 મિનિટ પછી વધુ ત્રણ ઘાયલો લાવવામાં આવ્યા, જેમાંથી બે ગંભીર હતા. તેમને પણ છત્રપતિ સંભાજીનગરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. એક ઈજાગ્રસ્તને હોસ્પિટલના કેઝ્યુઅલી વોર્ડમાં રાખવામાં આવ્યો છે. તેના હાથમાં ફ્રેક્ચર છે. આ સિવાય 6 વધુ દર્દીઓને જાલના હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. 7 મુસાફરોના મોત થયા છે.

  • Follow us on: