મુંબઇના વિલે પાર્લેમાં 90 વર્ષ જુના દિગંબર જૈન દેરાસરને બીએમસીએ તોડી પાડ્યુ છે. જેના કારણે જૈન સમાજ રોષમાં છે. બીએમસીએ આ ડિમોલિશન માટે જમીન વિવાદ હોવાનું જણાવ્યુ છે. તો આ તરફ જૈન સમાજે જણાવ્યુ છે કે, આ પગલુ પક્ષપાત અને ઉતાવળીયા નિર્ણયને દર્શાવે છે. જૈન ધારાસભ્યો પણ આ કાર્યવાહીની વિરુદ્ધમાં છે. ત્યારે એક નજર કરીએ આ જૈન સમાજ મહારાષ્ટ્રની રાજનીતિમાં કેટલું સ્થાન ધરાવે છે. અને કેટલો તાકતવર છે.
જૈન સમાજ ગુસ્સામાં
મુંબઇના વિલે પાર્લેંમાં 90 વર્ષ જુના દિગંબર જૈન દેરાસર પર બીએમસીએ પોતાનું બુલડોઝર ફેરવ્યુ છે. બીએમસીની આ કાર્યવાહી બાદ જૈન સમાજમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. બીએમસી વિરુદ્ધ લોકોએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તો સાથે જ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરાઇ છે. સરકાર તરફથી આ મામલે કોઇ પ્રતિક્રિયા જોવા મળી નથી.
રાજનીતિમાં કેટલું સ્થાન ?
મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં જૈન સમુદાયના 7 ધારાસભ્યો ચૂંટાયા હતા. તે સમયે આ ધારાસભ્યોનું સમગ્ર સમાજ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ત્રણ ધારાસભ્યો મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાંથી છે. જેમાં મલબાર હિલથી મંગલ પ્રભાત લોઢા, ઘાટકોપર પૂર્વથી પરાગ શાહ અને મીરા ભાઈંદરથી નરેન્દ્ર મહેતાનો સમાવેશ થાય છે. આ 7 ધારાસભ્યોમાંથી 6 ભાજપના હતા જ્યારે એક અપક્ષ તરીકે ચૂંટાયો હતો. આ ધારાસભ્યોમાં પ્રભાત લોઢા ખુલ્લેઆમ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. જો આપણે મહારાષ્ટ્રમાં જૈન સમુદાયની વસ્તી વિશે વાત કરીએ તો, છેલ્લી વસ્તી ગણતરીમાં અહીંની વસ્તી 1.25% હતી. વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોમાં જૈન સમુદાયનો હિસ્સો 2.4 ટકા છે. જે વસ્તીના પ્રમાણ કરતાં બમણો છે. વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં 9 જૈન ધારાસભ્યો ચૂંટાયા હતા. બીએમસીના આ પગલાથી ભાજપના ધારાસભ્યોને પોતાની જ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે.
દેરાસર તોડી પાડવા પાછળ BMCએ આપ્યું આ કારણ
બીએમસી દ્વારા જે દેરાસર તોડી પાડવામાં આવ્યું છે તે દાયકાઓ પહેલા વિલે પાર્લેમાં બનાવવામાં આવ્યું હતું. આ સાથે, તે જૈન સમુદાયમાં આસ્થાનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. આ કાર્યવાહી પાછળ BMCનો તર્ક એ હતો કે મંદિરનો એક ભાગ પહેલાથી જ ફાળવેલ જમીન પર બનાવવામાં આવ્યો હતો. જે કોઈ અન્ય પ્રોજેક્ટનો ભાગ છે. આ જ કારણ છે કે નોટિસ વહેલા જારી કરવામાં આવી હતી. બીએમસીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ આ મંદિરની અરજી સિટી કોર્ટે ફગાવી દીધી હતી. આ પછી જ કાર્યવાહી કરવામાં આવી છે.
સમુદાયે તૂટેલા દેરાસરમાં પૂજા કરી
બીએમસીની કાર્યવાહી બાદ, ભગવાન દેરાસરમાં ખુલ્લામાં છે. જૈન સમુદાયે પોતાનો વિરોધ શરૂ કરતા પહેલા અહીં પૂજા કરી હતી. આ સાથે સંદેશ આપવામાં આવ્યો કે અહિંસા એકમાત્ર રસ્તો છે. આ વિરોધ પહેલા, જૈન બંધુઓએ જે મંદિરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં આરતી કરી હતી. મંદિર ટ્રસ્ટ અને જૈન સમુદાયે BMCના આ પગલાને ઉતાવળિયું પગલું ગણાવ્યું છે. જૈન સમુદાયના નેતાઓએ BMC પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું છે કે આ કાર્યવાહી પૈસા માટે કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, મ્યુનિસિપલ કર્મચારીઓ પર ધાર્મિક પુસ્તકો અને જૈન ધર્મના ધાર્મિક વસ્તુઓ રસ્તા પર ફેંકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સમાજ એવી પણ માંગ કરે છે કે મંદિર જ્યાં હતું ત્યાં જ ફરીથી સ્થાપિત થવું જોઈએ.













