- ટ્રેની IAS પૂજા ખેડકરની વધી મુશ્કેલી
- પૂજા ખેડકરની માતાની એન્જિનિયરીંગ ફર્મ કરી સીલ
- 2લાખ રૂપિયાનો મિલકત વેરો હતો બાકી
ટ્રેઈની IAS પૂજા ખેડકર ખોટા દસ્તાવેજોને આધારે પાસ થવાના આરોપ સર વિવાદમાં છે. આ મામલે યુપીએસસી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. આ મામલે તેની માતા પણ વિવાદોમાં આવી છે. જાહેરમાં હાથમાં પિસ્તોલ લઇને ખેડૂતને ધમકી આપવા મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર સાથે જોડાયેલી એન્જિનિયરિંગ ફર્મને સીલ કરી દીધી હોવાનું સામે આવ્યું છે.
એન્જિનિયરીંગ ફર્મ કરી સીલ
પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકર સાથે જોડાયેલી એન્જિનિયરિંગ ફર્મને સીલ કરી દીધી છે. પેઢી પાસે રૂ. 2 લાખનો મિલકત વેરો બાકી હતો. તે બે વર્ષથી જમા કરાવ્યો ન હતો. આ દિવસોમાં જુનિયર ઓફિસરની માતા એક ગુનાહિત કેસમાં પુણે પોલીસની કસ્ટડીમાં છે.
આ ફર્મનું સરનામુ સ્થાનિક સરનામા તરીકે આપ્યુ હતુ પૂજાએ
મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તલાવડે વિસ્તારમાં સ્થિત થર્મોવરિતા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને પ્રોપર્ટી ટેક્સ ન ભરવા બદલ સીલ કરવામાં આવી હતી. પૂજા ખેડકરે સિવિલ સેવાઓમાં પસંદગી દરમિયાન ક્વોટા મેળવવા માટે પિપરી ચિંચવાડની યશવંત રાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં બનાવેલ અપંગતા પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હતી. જેમાં તેણે એન્જિનિયરિંગ ફર્મની જાણકારી સ્થાનિક સરનામા તરીકે આપી હતી.
બે વર્ષથી ભર્યો નથી ટેક્સ
આ અંગે મ્યુનિસિપલ કમિશનર શેખર સિંહે જણાવ્યું હતું કે આ ફર્મનો વર્ષ 2022-2023 અને 2023-2024 માટે મિલકત વેરો બાકી છે. આ ઉપરાંત પેઢીએ ચાલુ વર્ષના લેણાં પણ જમા કરાવ્યા નથી. પેઢીને 2023માં લેણાંની ચુકવણી ન કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી. આ પછી, પ્રથમ કાર્યવાહી તરીકે, પેઢીનું પાણીનું જોડાણ કાપી નાખ્યું હતું. આ પછી પણ ટેક્સ ન ભરતા મિલકતને સીલ કરવામાં આવી છે. કંપનીની છેલ્લા બે વર્ષની લેણી રકમ રૂ. 1.96 લાખ છે. આ વર્ષના લેણાં ઉમેર્યા પછી, આ રકમ 2.77 લાખ રૂપિયા થાય છે.
પૂજાની માતાની કરાઇ છે ધરપકડ
પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ જમીન વિવાદને લઈને કેટલાક લોકોને બંદૂક બતાવીને ધમકી આપવા બદલ આ કાર્યવાહી કરી હતી.. પુણે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તેણીની મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે એક હોટલમાં રોકાઈ હતી. હાલ તેને પુણે લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પૂજાની માતા મનોરમા ખેડકરને પુણે ગ્રામીણ પોલીસે ગુરુવારે મુલશી તાલુકાના ધડવલી ગામમાં જમીન વિવાદ પર પિસ્તોલ તાકીને એક યુવકને ધમકાવવા બદલ ધરપકડ કરી હતી.
શું છે મામલો ?
મહત્વનું છે કે વિવાદાસ્પદ અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મનોરમા જમીનના વિવાદને લઈને હાથમાં બંદૂક લઈને કેટલાક લોકોને ધમકાવી રહી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મનોરમા, તેના પતિ અને અન્ય પાંચ આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.