• મહારાષ્ટ્રની ટ્રેની આઇએએસ પૂજા ખેડકરનો વિવાદ
  • મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને સોંપ્યો રિપોર્ટ
  • તપાસ રિપોર્ટમાં વિવિધ એજન્સીઓ પાસેથી મળેલા દસ્તાવેજો ઉમેર્યા

મહારાષ્ટ્રના ટ્રેની આઇએએસ અધિકારી પૂજા ખેડકરનો વિવાદ વકર્યો છે. આઇએએસની પરીક્ષા પાસ કરવા માટે ફેક દસ્તાવેજ અને સત્તાનો દુરુપયોગ કરાયો હોવાના આરોપ લાગ્યા છે. આ મામલે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે સરકારે રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપ્યો છે. એક સપ્તાહની તપાસ બાદ મહારાષ્ટ્રના અધિક મુખ્ય સચિવ નીતિન ગરાડેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારની સમિતિએ તેનો અહેવાલ કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સભ્યની સમિતિને મોકલી આપ્યો છે.

બે અઠવાડિયામાં રિપોર્ટ કરાશે સુપરત

સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગે બે અઠવાડિયામાં ટ્રેઇની IAS પૂજા ખેડકર વિરુદ્ધ તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો છે. મહારાષ્ટ્ર સરકારે તેના તપાસ અહેવાલમાં વિવિધ એજન્સીઓ પાસેથી મળેલા દસ્તાવેજો પણ ઉમેર્યા છે. 2023 બેચના IAS અધિકારી પૂજા ખેડકર દ્વારા સિવિલ સર્વિસમાં જોડાવા અંગે કરવામાં આવેલા દાવાની સચ્ચાઈ તપાસ હેઠળ છે. પૂજા ખેડકરે ઓબીસી નોન-ક્રીમી લેયર સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના પિતા, ભૂતપૂર્વ સનદી કર્મચારીએ તેમની સંપત્તિ 40 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું.

પૂજા પર શું છે આરોપ ?

પૂજા ખેડકરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં છૂટ મેળવવા માટે અપંગ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પૂજા ખેડકરે તેની પુષ્ટિ કરવા માટે જરૂરી તબીબી પરીક્ષામાં ભાગ લીધો ન હતો.પૂજા ખેડકર ત્યારે વિવાદમાં આવી જ્યારે, પુણેમાં તાલીમાર્થી IAS તરીકે કામ કરતી વખતે, તેણી પર તેની ખાનગી ઓડી કાર પર વાદળી-લાલ બત્તી સાથે ડ્રાઇવિંગ કરવાનો આરોપ લાગ્યો. તેણે અલગ ઘર અને કારની પણ માંગણી કરી હતી, પરંતુ આ વિશેષાધિકારો જુનિયર અધિકારીઓને ઉપલબ્ધ હોતા નથી.

પૂજા દોષિત સાબિત થઇ તો

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકારના રિપોર્ટમાં પૂજા ખેડકરના પુણે કલેક્ટર સાથે અભદ્ર વર્તનનો પણ ઉલ્લેખ છે. જો પૂજા ખેડકર દોષી સાબિત થશે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. આ ઉપરાંત તથ્યો છુપાવવા અને ખોટા નિવેદનો કરવા બદલ તેની સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.


  • Follow us on: