મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બંને રાજ્યોમાં એક જ નારો ચર્ચામાં છે અને તે છે બટેંગે તો કટેંગે.. યુપી સીએમ દ્વારા આ નારો આપવામાં આવ્યો છે જેનું સમર્થન પીએમ મોદી ચૂંટણી રેલીમાં કરી રહ્યા છે. પરંતુ આ નારાને લઇને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને મલ્લિકાર્જન ખડગેએ આ નારાને બંધારણની વિરુદ્ધ ગણાવીને બીજેપી પર પ્રહાર કર્યા હતા. જેનો યોગી આદિત્યનાથે વળતો જવાબ આપ્યો છે.
યોગીએ ખડગે પર વળતો પ્રહાર કર્યો
યોગી આદિત્યનાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે ખડગેનું ગામ પણ સળગાવી દેવામાં આવ્યું હતું. તેમની માતા, કાકી અને બહેનને નિઝામના રઝાકારો દ્વારા બાળી નાખવામાં આવ્યા હતા. પરંતુ ખડગે સાચું બોલવા માંગતા નથી. કારણ કે તેમને લાગે છે કે જો તેઓ નિઝામ પર આરોપ લગાવશે તો મતો નહી મળે.. રઝાકારોએ હિંદુઓનો નરસંહાર કર્યો હતો. ખડગે જી સત્ય સ્વીકારવા માંગતા નથી. મત માટે પરિવારનું બલિદાન ભૂલી ગયા. યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના અચલપુરમાં એક રેલી દરમિયાન આ વાત કહી હતી.
ખડગે શું બોલ્યા હતા ?
મહત્વનું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડમાં એક જનસભા સંબોધી હતી જે દરમિયાન તેઓએ બટેંગે તો કટેંગેના નારાને લઇને સીએમ યોગી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાઇ તમે એક કામ કરો. બે-બે કામ કેમ કરો છો. જો સાધુ સંત હોય છે તે તો દરેકના છે. તમે ભાગવા અને વિભાજનમાં કેમ પડી રહ્યા છે. આ લોકો બોલી રહ્યા છે તે બટેંગે તો કટેંગે, શું આ સાધુનું કામ છે ? નાગપંથનું કામ છે ? તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે બટેંગે તો કટેંગ આવુ તો આતંકવાદી કહી શકે છે તમે તો મઠના વ્યવસ્થાપક છો.
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. જેમાં 288 બેઠકો પર ચૂંટણી થવાની છે. જ્યારે ઝારખંડમાં 13 અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. બંને રાજ્યોના પરિણામ 23 નવેમ્બરે આવશે.