મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આડે આંગળીના ટેરવે ગણી શકાય તેટલા દિવસો બાકી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 20 નવેમ્બરે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ તપાસ એજન્સીઓ હાલ કામે વળગી ગઇ છે. પોલીસ તમામ નાની નાની ગતીવિધીઓ પર અને ચપ્પા ચપ્પા પર બાઝ નજર રાખી રહી છે. આ તમામ વચ્ચે મુંબઇ પોલીસના હાથે એક ટ્રક ચડ્યો જેમાં 8,476 કિલો ચાંદી મળતા જ પોલીસની આંખો પહોળી થઇ ગઇ હતી.


આ ચાંદીની કિંમત 80 કરોડની હોવાનું માનવામાં આવી રહ્યુ છે

આ ચાંદીની કિંમત 80 કરોડની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આટલા મોટા પ્રમાણમાં આ ચાંદી આવી ક્યાંથી તમામ એજન્સીઓ આ વાતને લઇને એલર્ટ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી ટાણે જ કેશ અને અવૈધ સંપત્તિ પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.

શંકાના આધારે પોલીસે વાહનને રોકીને તેની તલાશી લીધી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર માનખુર્દ પોલીસે વાશી ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન પોલીસની ટીમ આવતા-જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે મોડી રાત્રે વાશી ચેકપોસ્ટ નજીકથી એક શંકાસ્પદ ટ્રક પસાર થઈ રહ્યો હતો.

આ મામલા પછી અધિકારીઓએ ડ્રાઇવરની પૂછપરછ કરી 

શંકાના આધારે પોલીસે વાહનને રોકીને તેની તલાશી લીધી હતી. સર્ચ દરમિયાન આ ટ્રકમાંથી મોટી માત્રામાં ચાંદી મળી આવી હતી, જેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે આ ચાંદીનું વજન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કુલ વજન 8,476 કિલો છે. આટલી ચાંદીની અંદાજિત બજાર કિંમત 80 કરોડ રૂપિયા છે.

આ મામલા પછી અધિકારીઓએ ડ્રાઇવરની પૂછપરછ કરી અને તેને કસ્ટડીમાં લીધો. પોલીસે તરત જ આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને આ મામલાની જાણ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓ હવે આ ચાંદીના માલિકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રાથમિક તપાસ બાદ એવી આશંકા છે કે આ ચાંદી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહી હતી અને ચૂંટણીના માહોલમાં ઉપયોગ કરવા માટે લાવવામાં આવી રહી હતી. આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ચાંદીનો કોઈ માન્ય દસ્તાવેજ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી ગેરકાયદેસર મિલકતની દાણચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક લોકોએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ કરી છે. પોલીસે કહ્યું કે જો ચાંદીના માલિકના દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો તેને જપ્ત કરવામાં આવશે.

  • Follow us on: