મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સેન્ટ્રલ બેંકમાં આગ લાગી હતી, જેમાં બધું બળીને રાખ થઈ ગયું હતું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેંક સળગતી જોવા મળી રહી છે. આ મામલો અમરાવતી જિલ્લામાં ચંદુર રેલ્વે સ્થિત સેન્ટ્રલ બેંકની શાખા સાથે સંબંધિત છે. આગ એટલી વિકરાળ હતી કે તમામ દસ્તાવેજ સહિત રૂપિયા બળીને ખાખ થઈ ગયા હતા.
મહારાષ્ટ્રના અમરાવતીની સેન્ટ્રલ બેંક બ્રાન્ચમાં આગ
પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે બેંકમાં રાખેલ પૈસા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બેંક ખુલ્લી હતી ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે તમામ કર્મચારીઓ ડરી ગયા હતા અને બેંકની બહાર દોડી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ચંદુર રેલવે ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આગ ઓલવાઈ ન હોવાથી ધમણગાંવ અને તિવાસાથી પણ ફાયર ટેન્ડરો બોલાવવામાં આવ્યા હતા. બેંકમાં અચાનક લાગેલી આગ જોઈને મોટી સંખ્યામાં નાગરિકો પણ એકઠા થઈ ગયા હતા. પોલીસને ઘટનાની જાણકારી મળતાની સાથે જ ઘટનાસ્થળે સુરક્ષા વધારી દીધી હતી.
મુંબઈમાં તાજેતરમાં આગ લાગી હતી
આ પહેલા મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ફિલ્મ સિટી રોડ નજીક આવેલા બાગેશ્વરી મંદિર પાસે આગ લાગી હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાતી જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ કેસમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રારંભિક માહિતી અનુસાર, ફાયર બ્રિગેડને ગોરેગાંવ પૂર્વ વિસ્તારમાં સાંજે 7.15 વાગ્યે આગની માહિતી મળી હતી. આગ લેવલ-2 ની હતી. આગની માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડરોને તાત્કાલિક સ્થળ પર રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.