- સંદેશખાલી કેસમાં CBIએ વધુ 3 શખ્સોની કરી ધરપકડ
- CBIએ શાહજહાં શેખના ભાઈ આલમગીરને ઝડપ્યો
- અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી
સંદેશખાલી કેસ મામલે પૂછપરછ બાદ CBIએ શાહજહાં શેખના ભાઈ આલમગીરની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સાથે TMCના યુવા અધ્યક્ષ સહિત વધુ એકની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ ED પર હુમલામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
સંદેશખાલી કેસમાં CBIએ વધુ 3 લોકોની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ પૂછપરછ બાદ શાહજહાં શેખના ભાઈ આલમગીરની ધરપકડ કરી છે. આ સાથે CBIએ મફુઝર મૌલા અને શિલાજુર મૌલાની પણ ધરપકડ કરી છે. મફુઝર મૌલા ટીએમસી યુવા પ્રમુખ છે. આ તમામ ED પર હુમલામાં સામેલ હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શાહજહાં શેખના ભાઈ આલમગીરને CBIએ ઝડપ્યો
શાહજહાં શેખના ભાઈ આલમગીરની કોલકાતાના નિઝામ પેલેસ ખાતેની ઓફિસમાં આખો દિવસ પૂછપરછ કર્યા બાદ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શાહજહાં શેખની પોલીસે પહેલા ધરપકડ કરી હતી ત્યાર બાદ સમગ્ર મામલે તપાસ માટે CBIને સોંપી હતી. EDએ ગુરુવારે 14 માર્ચ સવારે શાહજહાં શેખ સાથે સંકળાયેલા અનેક સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં શાહજહાં શેખના ઈંટના ભઠ્ઠા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડો શાહજહાં શેખ વિરૂદ્ધ દાખલ થયેલા જમીન હડપના કેસના સંદર્ભમાં પાડવામાં આવ્યો હતો.
શાહજહાં શેખ CBIની કસ્ટડીમાં
અગાઉ, ગુરુવારે (14 માર્ચ) ઉત્તર 24 પરગણા જિલ્લા અદાલતે સંદેશખાલી કેસના આરોપી શાહજહાં શેખની CBI કસ્ટડી આઠ દિવસ માટે લંબાવી હતી. શાહજહાં શેખ લગભગ 55 દિવસ ફરાર રહ્યા બાદ 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. સંદેશખાલીમાં મહિલાઓએ તેમના પર જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો આરોપ લગાવીને પ્રદર્શન કર્યું હતું.
વર્ષની શરૂઆતમાં, 5 જાન્યુઆરીએ, EDની ટીમ કથિત રાશન કૌભાંડ કેસની તપાસ માટે શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. ત્યાં EDની ટીમ પર ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારથી શાહજહાં શેખ ગુમ થઈ ગયો હતો. પશ્ચિમ બંગાળ સીઆઈડી તેમની સામેના આરોપોની તપાસ કરી રહી હતી, પરંતુ બાદમાં કલકત્તા હાઈકોર્ટના આદેશ પર આ તપાસ CBIને સોંપવામાં આવી હતી.