• એક્સાઇઝ પોલિસી કેસનો મામલો
  • મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીમાં લંબાવાઇ
  • હવે 26 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં

રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવી છે. કોર્ટે 15 જુલાઇએ સુનાવણી દરમિયાન 22 જુલાઈ સુધી કસ્ટડી લંબાવી હતી. જ્યારે આજે કોર્ટે સિસોદિયાને 26 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં ગત વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્વ AAP મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી.

26 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર નોટિસ જાહેર કરી હતી. કોર્ટે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ પાઠવીને 29 જુલાઈ સુધીમાં આ કેસમાં પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, 29 જુલાઈ સુધીમાં નોટિસનો જવાબ આપો. અમે બે અઠવાડિયા પછી આ અંગે ફરીથી વિચાર કરીશું.

16 મહિનાથી જેલમાં

મનીષ સિસોદિયાના વકીલે દલીલ કરી હતી કે વરિષ્ઠ AAP નેતા 16 મહિનાથી જેલમાં છે અને કેસ આગળ વધી રહ્યો નથી. ગયા વર્ષે 30 ઓક્ટોબરના રોજ આપેલા ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યું હતું કે જો આગામી ત્રણ મહિનામાં ટ્રાયલ ધીરે ધીરે આગળ વધે છે, તો તે ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.

જામીન આપવાનો કર્યો હતો ઇન્કાર

30 એપ્રિલના રોજ રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જામીન આપવાનો ઇનકાર કરતી વખતે ટ્રાયલ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કેસની કાર્યવાહીમાં વિલંબ મોટાભાગે સિસોદિયાને કારણે છે. ત્યારબાદ, દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેણે ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપવા માટે ટ્રિપલ ટેસ્ટ અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ જરૂરી બેવડી શરતો પૂરી કરી નથી.

આને પડકારતાં સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગયા મહિને, સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની અરજી પર સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે દારૂ નીતિ કેસમાં અંતિમ ચાર્જશીટ/ફરિયાદ 3 જુલાઈ સુધીમાં દાખલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંજય કુમારે સિસોદિયાની જામીન અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા હતા.


  • Follow us on: