ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સંઘે કહ્યું કે મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ દુઃખી છે. મનમોહન સિંહે દેશનું સર્વોચ્ચ પદ શોભાવ્યું હતું. તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના પરિવાર અને તેમના અસંખ્ય પ્રિયજનો અને પ્રશંસકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.


RSSએ પાઠવી શ્રદ્ધાંજલિ

મહત્વનું છે કે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ગઈકાલે એટલે કે ગુરુવારે રાત્રે લગભગ 8 વાગે તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે 9.50 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. તેમના નિધન પર દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.


મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. 1991માં તેમણે દેશને આર્થિક સંકટમાંથી બચાવ્યો હતો. વડા પ્રધાન તરીકે તેમણે માહિતી ક્રાંતિ, મનરેગા, ખેડૂતોની લોન માફી અને શિક્ષણનો અધિકાર જેવા ઐતિહાસિક પગલાં લીધા હતા.

ક્યારે કરાશે અંતિમ સંસ્કાર?

મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે શનિવારે રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. દિલ્હીમાં રાજઘાટ પાસે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. મળતી માહિતી મુજબ તેમની દીકરીના આવવાની રાહ જોવામાં આવી રહી છે. દીકરી આજે મોડી રાત સુધીમાં અમેરિકાથી ભારત પરત આવશે. આ પછી સવારે તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ પૂર્વ પીએમ મનમોહન સિંહની અંતિમ યાત્રા AICCથી શરૂ થશે. તેમના નશ્વરદેહને કોંગ્રેસ મુખ્યાલયમાં સવારે 8-10 વાગ્યા સુધી રાખવામાં આવશે. મનમોહન સિંહના સન્માનમાં કોંગ્રેસ પાર્ટીએ 7 દિવસ માટે તેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.


  • Follow us on: