આતંકવાદ પર વધુ જોરશોરથી હુમલો ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે, આતંકવાદ સામે લડવા માટે સરકાર ટૂંક સમયમાં રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ લાવશે. મોદી સરકાર આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે તેને સમાપ્ત કરવા માટે નક્કર વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છીએ.


કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છેઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. પરંતુ આતંકવાદની કોઈ સીમા નથી. તેથી તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલનમાં રહીને કામ કરવું જોઈએ. આતંકવાદને ખતમ કરવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવી જોઈએ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પણ શેર કરવા જોઈએ.

આતંકવાદ સાથે લડવા સાથે મળીને કામ કરવુ પડશે

ગૃહ મંત્રીએ કહ્યું કે, સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ATS અને STFના રૂપમાં મોડલ અભિગમ રજૂ કર્યો છે. જો અમલ કરવામાં આવે તો તે આતંકવાદનો સામનો કરવા માટે એક સામાન્ય માળખું અને પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આતંકવાદ સામે લડવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે.

નવા અધિકારીઓને ટ્રેનિંગ આપવી પડશે

અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના સંકલ્પ મુજબ 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા માટે દરેકને સુરક્ષા પડકારોનો સામનો કરવો પડશે. આતંકવાદ સામે એક સંકલિત ઇકોસિસ્ટમ બનાવવી પડશે. સુરક્ષા દળોએ નવા (યુવાન) અધિકારીઓને તાલીમ આપવી પડશે. આ સાથે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવો પડશે.

વિશ્વએ પીએમ મોદીની નીતિનો સ્વીકાર કર્યો

અમિતા શાહે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી 2014માં પીએમ બન્યા ત્યારથી દેશ આતંકવાદ સામે નક્કર વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યો છે. અમે તેનો અંત લાવવા પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદીની આતંકવાદને સહન નહીં કરવાની નીતિને આખી દુનિયાએ સ્વીકારી છે. પાછલા દાયકાઓની તુલનામાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે.

હિંસા પર કાબૂ મેળવ્યો

અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસોને કારણે છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીર, નક્સલ પ્રભાવિત વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યોમાં હિંસા પર ઘણી હદ સુધી કાબૂ મેળવ્યો છે. NIA આતંકવાદી કેસોમાં UAPA હેઠળ કાર્યવાહી કરે છે. પરિણામે NIA દ્વારા નોંધાયેલા 632 કેસમાંથી 498 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. લગભગ 95 ટકા કેસમાં સજા થઈ છે.


  • Follow us on: