- ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી
- 24 જૂનથી 30 જૂન દરમિયાન દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના
- નોઈડામાં 26 જૂનથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના
દેશની રાજધાની દિલ્હીની પાસે આવેલા ગ્રેટર નોઈડા અને ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ફેરફાર સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે દિલ્હીમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ગુરુગ્રામના સેક્ટર 14 અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે ઈફ્કો ચોકમાં હળવો વરસાદ વરસ્યો છે. તે જ સમયે, 23 જૂને, દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો, ત્યારબાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હીટ વેવનો સમયગાળો હવે પૂરો થઈ ગયો છે.
IMDના લેટેસ્ટ અપડેટ મુજબ આજે એટલે કે 24 જૂને આગામી બે કલાકમાં દ્વારકા, પાલમ, IGI એરપોર્ટ, ગાઝિયાબાદ, છપરાલા, નોઈડા, ગઢમુક્તેશ્વર, હાપુડ, ગુલોટી, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, શિકારપુર, ખુર્જા, પહાસુ દિલ્હી-એનસીઆરના વિવિધ સ્થળો અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને ઝરમર વરસાદની શક્યતા છે.
દિલ્હીનું મહત્તમ તાપમાન 36થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 જૂનથી 30 જૂન દરમિયાન દિલ્હીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન વાદળોની અવરજવર ચાલુ રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. જો કે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું પ્રવેશે ત્યાં સુધી દિલ્હીમાં ભેજનું પ્રમાણ રહેશે. IMD અનુસાર આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 36થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 28થી 32 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
દિલ્હીમાં ચોમાસું ક્યારે?
દિલ્હીમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 30મી જૂન છે પણ એવું ઘણી વખત બન્યું છે કે આ તારીખ પહેલા પણ ચોમાસાએ દેશની રાજધાનીમાં પ્રવેશ કર્યો હોય. સાથે સાથે અનેક વખત ચોમાસું ઘણી વખત સમય કરતા લેટ પણ શરૂ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂનની આસપાસ ચોમાસું દિલ્હીમાં આવી શકે છે.
નોઈડામાં ઝરમર વરસાદ પડી શકે
દિલ્હીની પાસે આવેલા નોઈડામાં આજે 24 જૂને વાદળછાયું રહેશે અને આ સમયગાળા દરમિયાન ઝરમર વરસાદ પણ પડી શકે છે. જો કે, હવામાન વિભાગે 25 જૂને નોઈડામાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ તે પછી 26 જૂનથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. નોઈડામાં 26થી 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. IMD અનુસાર નોઈડામાં આ સમગ્ર સપ્તાહમાં મહત્તમ તાપમાન 38થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે અને લઘુત્તમ તાપમાન 26થી 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.