- મહારાષ્ટ્રના મુંબઇ અને પુણેમાં ભારે વરસાદ
- અનેક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ
- 24 કલાકમાં ભારે વરસાદને કારણે 4નામોત
મહારાષ્ટ્રમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. પુણે અને મુંબઇમાં તો વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. અંધેરી પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતો અંધેરી એક્સપ્રેસ વે પાણીમાં ગરકાવ થયો છે. પુણેમાં વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
રેડ એલર્ટ જાહેર
BMCએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભમાં, BMCએ શાળાઓ અને શિક્ષકોને માતાપિતાના પ્રતિનિધિઓને જાણ કરવા અને જરૂરી સાવચેતી રાખવા અને શાળા સ્તરે યોગ્ય સંકલન સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.
એક્સપ્રેસ વે પાણીમાં ગરકાવ
મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ ચાલુ છે. રાજધાનીમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. અંધેરી પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતો અંધેરી એક્સપ્રેસ વે પણ પાણીમાં ડૂબી ગયો છે. મુંબઈના નજીકના ઉપનગરોમાં પણ વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી અને દહિસર વિસ્તારમાં પણ વરસાદ રોકાઈ રહ્યો નથી.
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સવારે 8 વાગ્યાથી શહેર અને ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે સતત વરસાદને કારણે શહેરના ઔદ્યોગિક કેન્દ્રમાંથી વહેતી મીઠી નદીનું જળસ્તર 2.5 મીટર વધી ગયું છે જ્યારે તેનું જોખમનું સ્તર4.2 મીટર છે. ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 44 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તેના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 90 મીમી અને 89 મીમી વરસાદ નોંધાયો હતો, એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું. સવારથી ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો.
રેલવે અને બસ સેવાને અસર
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST), જે શહેરમાં પેસેન્જર બસોનું સંચાલન કરે છે, તેના વાહનોને આરે કોલોનીના માર્ગોથી વાળવાની ફરજ પડી. મુસાફરોએ ફરિયાદ કરી હતી કે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે દ્વારા સંચાલિત ઉપનગરીય સેવાઓ 10-15 મિનિટ મોડી ચાલી રહી છે. મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જવાને કારણે ઉપનગરીય ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું કે જો જરૂર પડશે તો પુણેમાં વરસાદથી પ્રભાવિત લોકોને હવાઈ માર્ગે બહાર કાઢવામાં આવશે. શિંદેએ કહ્યું કે તેમણે પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને શહેર અને પડોશી ઔદ્યોગિક શહેર પિંપરી ચિંચવડના નાગરિક મંડળના વડાઓ સાથે વાત કરી છે. તેમણે આર્મી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના અધિકારીઓ સાથે વાત કરીને લોકોનું રેસક્યુ કરવા માટે મદદ માગી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વહીવટીતંત્રને એલર્ટ રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા અને કોઈ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.













