મુંબઇમાં પહેલા વરસાદમાં જ તંત્ર દોડતુ થઇ ગયુ હતું. આ વખતે મહારાષ્ટ્રમાં ચોમાસુ વહેલુ બેસી ગયુ છે. ત્યારે હવામાન વિભાગે મુંબઇ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કર્યુ છે. જો કે ગઈકાલ રાતથી મુંબઈમાં વરસાદ બંધ થઈ ગયો છે. મધ્ય, પશ્ચિમ અને હાર્બર ટ્રેન સેવાઓ સમયસર ચાલી રહી છે, અને જનજીવન સામાન્ય છે. પરંતુ દેશના અન્ય ભાગોમાં વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હી-એનસીઆરમાં ચેતવણી આપી છે.
મુંબઇમાં યલો એલર્ટ જાહેર
મુંબઈમાં ચોમાસાની શરૂઆત 11 જૂનના સામાન્ય સમય કરતા 16 દિવસ પહેલા 26 મેના રોજ થઈ હતી. 2001 પછી મુંબઈમાં ચોમાસાનું આ સૌથી પહેલું આગમન છે. IMD અનુસાર, મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં આજે મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે, સાથે વાવાઝોડા અને 40-50 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય છે. બપોરે 2 વાગ્યાની આસપાસ હાઇટાઇડની ચેતવણી આપવામાં આવી છે. જે દરમિયાન દરિયામાં 12-13 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે.
મુંબઈમાં મે મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ
મુંબઈમાં આ મે મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો, જેમાં કોલાબામાં 295 મીમી વરસાદ નોંધાયો, જેણે 1918નો રેકોર્ડ 279.4 મીમી તોડ્યો. મંગળવારે રાત્રે અંધેરી, દહિસર, બોરીવલી, ગોરેગાંવ અને મલાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ (47-74 મીમી) નોંધાયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. જોકે, બુધવાર સવારથી વરસાદ ઓછો થયો છે અને શહેર સામાન્ય રીતે કાર્યરત છે. હવામાન વિભાગે મુંબઈવાસીઓને સાવચેત રહેવા સલાહ આપી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. અહિલ્યાનગરમાં સતત ભારે વરસાદને કારણે ખડકી ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. પંઢરપુરમાં ભીમા નદી ઉભરાઈ રહી છે અને લોકોને નદીની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. બદલાપુર, ઉલ્હાસનગર, કલ્યાણ, ડોમ્બિવલી અને થાણેમાં પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
અહીં રેડ એલર્ટ
IMD એ રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે પુણે, સતારા, કોલ્હાપુર, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કોલ્હાપુર અને સતારામાં ભારે વરસાદની આગાહી છે. મંગળવારે અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનો ઘૂસી ગયા હતા. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સ્થિતિ તોફાની હોઈ શકે છે.