ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રનો જવાબ આપ્યો છે. નડ્ડાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ PM મોદીનું અનેકવાર અપમાન કર્યું છે. સોનિયા ગાંધીએ પણ PM મોદીને ન કેવાના શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા પીએમ મોદીને લખેલા પત્રમાં ખડગેએ રાહુલ વિરુદ્ધ વાંધાજનક અને હિંસક નિવેદન આપનારા કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ સહિત ઘણા નેતાઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના પત્રમાં ખડગેને જવાબ આપતા કહ્યું કે તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો વાસ્તવિકતા અને સત્યતાથી ઘણી દૂર છે. એવું લાગે છે કે તમારા પત્રમાં તમે રાહુલ ગાંધી સહિતના તમારા નેતાઓના દુષ્કૃત્યોને ભૂલી ગયા છો અથવા જાણી જોઈને અવગણ્યા છો. તેથી આ બાબતમાં મને લાગ્યું કે તે બાબતો વિગતવાર તમારા ધ્યાન પર લાવવામાં આવે... આ પહેલા મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટુ સહિત તમામ નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. આ નેતાઓએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વાંધાજનક અને હિંસક નિવેદનો આપ્યા છે.













