- કાવડયાત્રાને લઇને યુપી સરકારનો નિર્ણય
- વિપક્ષ અને મુસ્લિમ નેતાઓ કરી રહ્યા છે ટિપ્પણી
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કર્યો વળતો પ્રહાર
22મી જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ભગવાન શિવને જળાભિષેક કરવા માટે કાવડ યાત્રા શરૂ થનાર છે. મુઝફ્ફરનગરમાં વહીવટીતંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે કાવડ માર્ગ પર આવતી દુકાનો, હોટલ અને ઢાબાના માલિકોએ તેમના નામ સ્પષ્ટ રીતે લખવાના રહેશે. આના પર જ્યારે વિવાદ શરૂ થયો ત્યારે સીએમ યોગી આદિત્યનાથે આદેશ કર્યો છે. સીએમ યોગીએ કાવડરૂટમાં આવતી દુકાનોને નેમ પ્લેટ લગાવવાનો આદેશ કર્યો છે જેને લઇને રાજકારણ ગરમાયું છે.
નેમપ્લેટના નિર્ણયને લઇને ટિપ્પણી
સીએમ યોગીએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં કાવડ રૂટ પરની દુકાનોએ ખાણીપીણીની દુકાનો પર નેમ પ્લેટ લગાવવી પડશે. આ નિર્ણય બાદ હવે લોકોએ ખાણીપીણીની દુકાનો પર પોતાની નેમપ્લેટ લગાવવાનું શરૂ કરી દીધું છે. આ નિર્ણયને લઇને વિપક્ષ અને મુસ્લિમ નેતાઓ દ્વારા ભાજપની ટિપ્પણી કરવામાં આવી રહી છે. જેને લઇને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે એક નિવેદન આપ્યું છે.
ગિરિરાજ સિંહે કર્યો કટાક્ષ
ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે જો હિન્દુ નામ એટલું જ પ્રિય છે તો તમે હિન્દુ કેમ નથી બનતા? ઉલ્લેખનીય છે કે યુપીના તમામ કાવડ માર્ગો પર આવેલી કેટરિંગની દુકાનોમાં દુકાનદારોએ પોતાનું નામ અને ઓળખ જાહેર કરવી પડશે. કાવડ મુસાફરોની આસ્થા અને પવિત્રતા જાળવવા માટે આ કરવામાં આવ્યું છે. આ ઉપાંત યુપી સરકારે ચેતવણી આપી છે કે હલાલ પ્રમાણપત્ર સાથે ઉત્પાદનો વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઓવૈસીએ શું કહ્યું ?
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે યુપીના કાવડ માર્ગો પર ડર, આ ભારતીય મુસ્લિમો પ્રત્યે નફરતની વાસ્તવિકતા છે. આ નફરતનો શ્રેય રાજકીય પક્ષો/હિંદુ નેતાઓ અને કહેવાતા બિનસાંપ્રદાયિક પક્ષોને જાય છે.
કપિલ સિબ્બલે શું કહ્યું ?
કપિલ સિબ્બલે પોતાના એક્સ એકાઉન્ટ પર એમ પણ લખ્યું છે કે, 'યુપીમાં રોડ કિનારે આવેલા સ્ટોલ અને ખાણીપીણીને માલિકોના નામ દર્શાવવા માટે સૂચના આપવામાં આવી છે. શું આ 'વિકસિત ભારત'નો માર્ગ છે? વિભાજનકારી એજન્ડાથી દેશનું વિભાજન થશે.