• નીટ પેપર લીક મામલે રિપોર્ટ કરાયો દાખલ
  • સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી
  • NTAએ દાખલ કર્યુ હતુ સોગંધનામુ

મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજીના કથિત પેપરલીક મામલે તપાસ ચાલી રહી છે. સીબીઆઇ દ્વારા સુપ્રિમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા સીલ કવરમાં આ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી થશે.

સોગંધનામુ દાખલ

મહત્વનું છે કે આ પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. NTA એ એફિડેવિટમાં જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર તૈયાર કરવા માટે કડક સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે. વિષય નિષ્ણાંતોની હાજરીમાં પેપરો તૈયાર કરવામાં આવે છે. તેઓ સીલબંધ એન્વલપ્સમાં રાખવામાં આવે છે. પ્રિન્ટીંગ સીસીટીવી સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે. પેપરો કડક સુરક્ષા હેઠળ અને જીપીએસ ટ્રેકર અને ડીજીટલ લોક સાથે પરીક્ષા કેન્દ્રો પર મોકલવામાં આવે છે.

11 લોકોની ધરપકડ

મહત્વનું છે કે CBIએ મંગળવારે પેપર લીક કેસમાં પટનાના ઉમેદવાર સહિત વધુ 2 લોકોની ધરપકડ કરી હતી.. આ ધરપકડ સાથે તપાસ એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે આવુ પહેલીવાર છે કે જ્યારે એજન્સીએ પેપર લીક સંબંધિત કથિત અનિયમિતતાના સંબંધમાં ઉમેદવારની ધરપકડ કરી છે. CBIએ નાલંદાના રહેવાસી NEET-UG ઉમેદવાર સનીના પિતા અને ગયાના રહેવાસી અન્ય ઉમેદવાર રણજીત કુમારના પિતાની ધરપકડ કરી છે.

6 FIR નોંધાઇ

  • સીબીઆઈએ ઝારખંડના હજારીબાગ જિલ્લા સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓને કથિત રીતે સુરક્ષિત જગ્યા પૂરી પાડનારા બે લોકોની ધરપકડ કરી છે.
  • પેપર લીક સંબંધિત તપાસમાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 6 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બિહારમાં નોંધાયેલી FIR પેપર લીક સાથે સંબંધિત છે. જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલી એફઆઈઆર વિદ્યાર્થીઓની જગ્યાએ પરીક્ષા આપવા અને છેતરપિંડી સાથે સંબંધિત છે.

આજે થશે સુનાવણી

સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો NEET-UG 2024 પરીક્ષાની પવિત્રતાનું ઉલ્લંઘન થાય છે અને સમગ્ર પ્રક્રિયાને અસર થાય છે, તો પરીક્ષા ફરીથી યોજવાનો આદેશ આપી શકાય છે. સુનાવણી દરમિયાન કોર્ટે નેશનલ એક્ઝામિનેશન એજન્સી (NTA) અને CBI પાસેથી પેપર લીકનો સમય અને રીત તેમજ ખોટા કામ કરનારાઓની સંખ્યા વિશે માહિતી માંગી છે. તેના દ્વારા કોર્ટ આ લીકની અસર જાણવા માંગે છે.

  • Follow us on: