નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર નાસભાગ કેવી રીતે થઇ... કોની ભૂલ.. કયા કારણો સર 18 લોકોએ જીવ ગુમાવ્યો.. આ બધા સવાલો થઇ રહ્યા છે. ગઈકાલે રાત્રે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં રેલ્વે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. એકબીજાને ધક્કો મારવાથી અને નીચે કચડાઈ જવાથી 18 લોકોના મોત થયા. મૃતકોમાં 9 મહિલાઓ, 5 બાળકો અને 4 પુરુષોનો સમાવેશ થાય છે. બિહારના 9, દિલ્હીના 8 અને હરિયાણાના 1 વ્યક્તિનું મોત થયું હતું. ઘાયલોની સારવાર LNJP હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલ્વે મંત્રીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે, સરકારે મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે, પરંતુ ભાગદોડ શા માટે થઈ અને કઈ ખામીઓને કારણે? આવો જાણીએ.


પ્લેટફોર્મ નંબર બદલાયો

અકસ્માતનું એક કારણ ટ્રેનનું પ્લેટફોર્મ બદલવું પણ છે. લોકો પ્રયાગરાજ આવતી 3 ટ્રેનોમાં ચઢવા માટે ટિકિટ ખરીદી રહ્યા હતા. આ ત્રણેય ટ્રેનોમાં ચઢવા માટે ભીડ પ્લેટફોર્મ નંબર 14 પર હતી. જ્યારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે અચાનક જાહેરાત થઈ કે પ્લેટફોર્મ નંબર 12 પર આવતી ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પર આવી રહી છે. આ સાંભળીને, ટ્રેનમાં સવાર મુસાફરો પ્લેટફોર્મ નંબર 16 તરફ દોડી ગયા, જેના કારણે ધક્કામુક્કી અને નાસભાગ મચી ગઈ હતી.

2 ટ્રેન મોડી પડી

પ્રયાગરાજ જવા માટે 3 ટ્રેન શિવગંગા એક્સપ્રેસ, ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર આવવાની હતી, પરંતુ 2 ટ્રેન ભુવનેશ્વર રાજધાની અને સ્વતંત્ર સેનાની મોડી ચાલી રહી હતી. જ્યારે શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી, ત્યારે લોકો તેમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્રણેય ટ્રેનોના મુસાફરો પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હતા. બાકીની ટ્રેનોના આગમનની જાહેરાત થતાં જ ભીડ બેકાબૂ થઈ ગઈ. પ્લેટફોર્મ નંબર 14 અને પ્લેટફોર્મ નંબર 16 પાસે બનાવેલા એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી.


રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે એમ પણ જણાવ્યું હતું કે આ અકસ્માત રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર થયો હતો જ્યારે લોકો સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસની રાહ જોઈ રહ્યા હતા. લોકો કદાચ વિચારી રહ્યા હતા કે ટ્રેનો નહીં આવે, તેથી તેઓ એક જગ્યાએ ભેગા થઈ ગયા. જ્યારે ટ્રેન આવવાની જાહેરાત થઈ, ત્યારે બીજા પ્લેટફોર્મ પર જવા માટે ધક્કામુક્કી થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. આ કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા. એસ્કેલેટર અને સીડીઓ પર લપસી ગયા અને ભીડમાં કચડાઈ ગયા.


  • Follow us on: