ઓપરેશન સિંદૂરમાં તબાહ થયા બાદ પાકિસ્તાન હજુ જો કોઈ હરકત કરશે તો જમ્મુ કાશ્મીરમાં પૂર્વ સૈનિકો પાકિસ્તાનના કાંકરિચાળા નિષ્ફળ બનાવશે. જમ્મુ અને કાશ્મીર સરકારે નવા આદેશો કરીને મહત્વપૂર્ણ ઇમારતો અને સ્થાપનોની સુરક્ષાની જવાબદારી 4,000 ભૂતપૂર્વ સૈનિકોને સોંપવાનો નિર્ણય લીધો છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને તેમના સમર્થકોના નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા હવે ભૂતપૂર્વ સૈનિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો મોટો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં વ્યૂહાત્મક અને વિકાસલક્ષી મહત્વના બાંધકામોની જવાબદારી માટે ભૂતપૂર્વ સૈનિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી તેમને રાજ્યમાં ગમે ત્યાં તૈનાત કરી શકાય.
પૂર્વ સૈનિકો વધુ સારી સુરક્ષા કરી શકે
ઓપરેશન સિંદૂરમાં હાર પછી, પાકિસ્તાન કે તેના સમર્થક આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીરમાં મહત્વપૂર્ણ જગ્યાઓને નિશાન બનાવી શકે છે તેવી ભીતિ છે. તેથી જિલ્લા સૈનિક બોર્ડ માને છે કે, પૂર્વ સૈનિકો આ સ્થાપનોની સુરક્ષાની જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે.
પૂર્વ સૈનિકો મોટી સંખ્યામાં નામ નોંધાવે છે
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સૈનિકો પણ આ નવી ફરજ માટે તૈયાર છે. પાકિસ્તાનના નાપાક ઇરાદાઓનો સામનો કરવા ભૂતપૂર્વ સૈનિકો મોટી સંખ્યામાં પોતાનું નામ નોંધાવી રહ્યા છે. તેઓ દેશ માટે કંઈક કરવા તૈયાર છે. કોઈપણ જિલ્લામાં મહત્વપૂર્ણ જગ્યાઓએ તેમને સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે.