જ્યોર્જ કુરિયન લઘુમતી બાબતો તેમજ માછીમારી, પશુપાલન અને ડેરી વિભાગમાં રાજ્યમંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પણ 21 જૂને પૂર્ણ થયો હતો. આવી સ્થિતિમાં તેમણે અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું મોકલીને પાર્ટી હાઈકમાનને ચોંકાવી દીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિએ સંવિધાનના કલમ 75(2) હેઠળ કેન્દ્રીય મંત્રિપરિષદમાંથી જ્યોર્જ કુરિયનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે અને તેમને પદમુક્ત કર્યા છે.


1980થી BJP સાથે જોડાયેલા છે જ્યોર્જ કુરિયન

65 વર્ષીય જ્યોર્જ કુરિયન ઓગસ્ટ 2024થી પ્રધાનમંત્રી મોદીની કેન્દ્રીય કેબિનેટમાં રાજ્યમંત્રી (MoS) તરીકે કાર્યરત હતા. તેઓ BJPના વરિષ્ઠ નેતા છે અને 1980થી પાર્ટીના સભ્ય રહ્યા છે. કુરિયનનો જન્મ 20 સપ્ટેમ્બર 1960ના રોજ કેરળના કોટ્ટાયમ જિલ્લાના એટ્ટુમાનૂર નગરપાલિકાના નામ્બિયાકુલમ વિસ્તારમાં થયો હતો. તેમણે શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાયદા (લૉ)માં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ કર્યો હતો.

તેમણે 9 જૂન 2024ના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ 11 જૂને લઘુમતી બાબતો મંત્રાલય અને માછીમારી, પશુપાલન અને ડેરી મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ રાષ્ટ્રીય લઘુમતી આયોગના ઉપાધ્યક્ષ તેમજ પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી ઓ. રાજગોપાલના OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી) તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

જ્યોર્જ કુરિયનની જગ્યાએ તરુણ ચુઘ બન્યા રાજ્યસભા સાંસદ

જ્યોર્જ કુરિયન કેરળ BJPના અગ્રણીઓમાં ગણાય છે અને તેમને અગાઉ રાજ્યસભા સાંસદ બનાવવામાં આવ્યા હતા. જોકે આ વખતે પાર્ટીએ તેમને ફરીથી રાજ્યસભામાં મોકલ્યા નથી. તેમની જગ્યાએ મધ્ય પ્રદેશમાંથી BJPના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘને રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેરળ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોઈ શકે છે. રાજ્યસભાની ટિકિટ ન મળવાથી નારાજ થઈને જ્યોર્જ કુરિયને કેન્દ્રીય રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હોવાની અટકળો ચાલી રહી છે. જોકે રાજીનામા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાહેર થયું નથી.

મોદી કેબિનેટમાં ફેરફારની અટકળો તેજ

છેલ્લા કેટલાક દિવસોથી પ્રધાનમંત્રી મોદીની કેબિનેટમાં ફેરફાર થવાની ચર્ચાઓ ચાલી રહી છે. BJPએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ બે કેન્દ્રીય મંત્રીઓની રાજ્યસભાની ટિકિટ કપાતા આ અટકળોને વધુ બળ મળ્યું છે.

જ્યોર્જ કુરિયન સિવાય કેન્દ્રીયમંત્રી રવનીત સિંહ બિટ્ટૂની પણ રાજ્યસભાની ટિકિટ કપાઈ ગઈ હતી. હવે કુરિયનના રાજીનામા બાદ કેબિનેટ ફેરબદલની ચર્ચાઓ વધુ તેજ બની છે. બીજી તરફ, રવનીત સિંહ બિટ્ટૂ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી લડશે અને રાજ્યની રાજનીતિમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે તેવી ચર્ચા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જ્યોર્જ કુરિયનને ભવિષ્યમાં પાર્ટી સંગઠનમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

  • Follow us on: