સંસદના ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની તાકાતમાં વધુ વધારો થયો છે. મધ્ય પ્રદેશ કોટાની ત્રણેય રાજ્યસભા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના એકમાત્ર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ (નામાંકન) રદ્દ થયા બાદ ભાજપ માટે આ જીતનો રસ્તો સાફ થઈ ગયો હતો. વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર અરવિંદ શર્માએ ભાજપના ઉમેદવારો રજનીશ અગ્રવાલ, તરુણ ચુગ અને મહેશ કેવટને સત્તાવાર રીતે ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર સોંપ્યું છે.


શા માટે રદ્દ થયું કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ?

કોંગ્રેસે આ ચૂંટણીમાં પૂર્વ સાંસદ અને રાહુલ ગાંધીની નજીકની ગણાતી મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, રિટર્નિંગ ઓફિસરે ટેકનિકલ ખામીના આધારે તેમનું નામાંકન પત્ર ફગાવી દીધું હતું. ભાજપની ફરિયાદ બાદ સામે આવ્યું કે મીનાક્ષી નટરાજને પોતાના ફોર્મમાં એક પેન્ડિંગ કેસ (અદાલતી મામલા)ની માહિતી છુપાવી હતી. તેલંગાણાના એક જૂના કેસમાં હૈદરાબાદની મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2025માં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 223 હેઠળ તેમને નોટિસ ફટકારી હતી. કોંગ્રેસે આ મામલે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે, જેના પર શુક્રવારે સુનાવણી થવાની છે.

રાજ્યસભાનું નવું નંબર ગેમ

આગામી 18 જૂને દેશના 12 રાજ્યોની 26 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં મધ્ય પ્રદેશની આ 3 બેઠકો પણ સામેલ હતી. આ બેઠકો જ્યોર્જ કુરિયન (BJP), દિગ્વિજય સિંહ (INC) અને સુમેરસિંહ સોલંકી (BJP) ના નિવૃત્ત થવાના કારણે ખાલી પડી રહી છે.

આ ત્રણેય બેઠકો બિનહરીફ જીત્યા બાદ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થી વધીને હવે 116 પર પહોંચી ગઈ છે. આ સાથે જ સત્તાધારી ગઠબંધન NDA (એનડીએ) ની સભ્ય સંખ્યા સંસદના ઉચ્ચ સદનમાં 149 થી વધીને 152 થઈ ગઈ છે, એટલે કે એનડીએનો આંકડો હવે 150 ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે હાલમાં 78 સાંસદોનું સંખ્યાબળ છે, જેમાં કોંગ્રેસના 29 સાંસદો સામેલ છે. અગાઉ 16 માર્ચે હરિયાણા, બિહાર અને ઓડિશાની 11 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં પણ એનડીએ ગઠબંધને 9 બેઠકો પર શાનદાર જીત મેળવી હતી.

આ પણ વાંચો:Refugee Crisis:દુનિયાનો દર 70મો નાગરિક બન્યો ઘરવિહોણો,આશરો આપવામાં અમેરિકા અને યુરોપ પાછળ

  • Follow us on: