તેમના આ રાજીનામાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને સ્વીકારી લીધું છે. 2 જૂનના રોજ ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈએ નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે પાર્ટી હાઈકમાન્ડને પક્ષ છોડવાના પોતાના નિર્ણય અંગે જાણકારી આપી હતી.


મુલાકાત બાદ પાર્ટીએ અન્નામલાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કર્યા પછી તેમને ટૂંક સમયમાં જવાબ આપવામાં આવશે. આશરે 30 મિનિટ ચાલેલી આ બેઠક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ તેમને હાલ માટે રાજીનામાનો નિર્ણય ટાળવા વિનંતી કરવામાં આવી હતી.

અન્નામલાઈની આગળની યોજના શું હોઈ શકે?

પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈએ ઘણા મહિનાઓ પહેલાં જ પાર્ટી છોડવાની યોજના બનાવી લીધી હતી. તેમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનેતા વિજય એક રાજકીય શક્તિ તરીકે ઉભરી આવ્યા બાદ તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

અન્નામલાઈ એક જનઆંદોલન શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે અન્નામલાઈ એક જનઆંદોલન શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે અને એવી અટકળો પણ ચાલી રહી છે કે ભવિષ્યમાં આ જનઆંદોલન રાજકીય પક્ષનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

અન્નામલાઈએ કહ્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

જોકે, પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની ચર્ચાઓ વચ્ચે અન્નામલાઈએ કહ્યું હતું કે ટૂંક સમયમાં સમગ્ર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. દિલ્હી જતાં પહેલાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, "કૃપા કરીને રાહ જુઓ, અમે બે દિવસમાં બેઠક કરીને ચર્ચા કરીશું." તેમણે એ પણ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં તમામ પ્રશ્નોના જવાબ આપશે અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરશે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અન્નામલાઈની આક્રમક રાજકીય શૈલીને કારણે રાજ્યમાં ભાજપની પૂર્વ સહયોગી પાર્ટી AIADMK સાથે તેમના સંબંધોમાં તણાવ સર્જાયો હતો. આ પણ તેમના રાજકીય ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓનું એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે.

  • Follow us on: