તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈના પાર્ટી છોડવાના નિર્ણયથી ભાજપ ચોંકી ગયું છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમના આ રાજીનામા પર અંતિમ નિર્ણય લેવા માટે થોડો સમય માગ્યો છે અને તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ મંગળવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બપોરે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે એક અલગ બેઠક કરી હતી. બી.એલ. સંતોષને રાજકારણમાં અન્નામલાઈના ગુરુ માનવામાં આવે છે.
રાજીનામાના નિર્ણય પર પુનઃવિચારની માગ
આ ઘટનાક્રમથી વાકેફ પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે અન્નામલાઈ જ્યારે દિલ્હી એરપોર્ટથી ચેન્નાઈ જવા રવાના થવાના હતા, ત્યારે કેન્દ્રીય નેતૃત્વએ તેમને ફોન કરીને ફરી ચર્ચા માટે બોલાવ્યા. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે અન્નામલાઈ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરે. સંગઠનમાં કડક શિસ્ત માટે જાણીતી ભાજપ જો તેમને રોકવામાં સફળ રહેશે, તો આ પાર્ટીના ઈતિહાસમાં એક અસામાન્ય કદમ હશે.
કેમ છોડવા માગે છે ભાજપ?
ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, અન્નામલાઈ ભાજપ છોડવાનું પૂરું મન બનાવી ચૂક્યા છે અને તેમનો આ દિલ્હી પ્રવાસ માત્ર પાર્ટી નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હતો. અન્નામલાઈએ ભાજપ હાઈકમાન્ડ સામે બે શરતો અગાઉ રાખી હતી. પહેલી એ કે કાં તો તેમને ઓછામાં ઓછા સાત વર્ષ માટે સંપૂર્ણ સ્વાયત્તતા અને અધિકારો સાથે ફરીથી તમિલનાડુ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે અથવા તો તેમને પોતાનો એક અલગ રાજકીય રસ્તો પસંદ કરવાની મંજૂરી આપવામાં આવે.
તમિલનાડુમાં નવી પાર્ટી બનાવવાની તૈયારી
સૂત્રોનું કહેવું છે કે અન્નામલાઈ તમિલનાડુમાં એક નવી પાર્ટી લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યા છે. રાજ્યના વર્તમાન રાજકીય સમીકરણો જોતાં તેમને આમાં મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની બે મોટી દ્રવિડ પાર્ટીઓ ડીએમકે (DMK) અને અન્નાદ્રમુક (AIADMK) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ટીવીકેની પહેલી ચૂંટણીમાં ઐતિહાસિક જીત
આ ચૂંટણીઓમાં સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની નવી પાર્ટી ટીવીકે (TVK) એ પોતાની પહેલી જ ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવીને સરકાર બનાવી છે. વિજયની સરકારને કોંગ્રેસ સહિતની કેટલીક નાની પાર્ટીઓએ ટેકો આપ્યો છે, જેમણે ચૂંટણી પછી DMK સાથે પોતાનું ગઠબંધન તોડી નાખ્યું હતું. અન્નામલાઈનું માનવું છે કે તમિલનાડુના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં કોઈ રાષ્ટ્રીય પાર્ટી માટે બહુ મોટો સ્કોપ નથી. તેથી, વિવિધ વર્ગોની ચિંતાઓને દૂર કરનારી એક નવી પ્રાદેશિક પાર્ટી જ રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે.
વર્ષ 2021 થી 2025 સુધી તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તરીકે અન્નામલાઈના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ભાજપની વિઝિબિલિટી ખૂબ વધી હતી. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ રાજ્યમાં તેમના ઉત્સાહ, સખત મહેનત અને દમદાર અવાજના કાયલ રહ્યા છે. તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં ભગવા પાર્ટી લાંબા સમયથી પોતાની જમીન શોધવા માટે સંઘર્ષ કરી રહી છે.
આ પણ વાંચો-પાકિસ્તાનમાં થયો જન્મ, પણ ભારતના દિલ પર કર્યું રાજ! આ છે બોલીવુડના એ 8 દિગ્ગજો જેમણે બદલી નાખ્યો સિનેમાનો ઇતિહાસ