2026માં ષટ્તિલા એકાદશી અને મકરસંક્રાંતિનો દુર્લભ સંયોગ 23 વર્ષ બાદ બન્યો છે. આ ખાસ ધાર્મિક અવસરને લઈને બિહારની રાજધાની પટનામાં ગંગા નદીના તમામ મુખ્ય ઘાટો પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી. સવારના 4 વાગ્યાથી બાંસ ઘાટ, કાગન ઘાટ, ગાય ઘાટ, દિઘા ઘાટ અને કલેક્ટરેટ ઘાટ પર શ્રદ્ધાળુઓ પહોંચવા લાગ્યા હતા.
“હર હર ગંગે”
ઠંડી અને ધુમ્મસ હોવા છતાં “હર હર ગંગે” અને “જય શ્રી હરિ”ના નારાઓથી સમગ્ર ઘાટ વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરીને તલ, ગોળ, ખીચડી, કપડાં અને ખોરાકનું દાન કર્યું. માન્યતા મુજબ, આ દિવસે ગંગામાં સ્નાન અને તલનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.
ધાર્મિક મહત્વ
ષટ્તિલા એકાદશીનું ખાસ ધાર્મિક મહત્વ છે. આ દિવસે તલ સાથે જોડાયેલી 6 વિધિઓ—તલ સ્નાન, તલનો લેપ, તલનો હવન, તલ દાન, તલ સેવન અને તલ જળ અર્પણ—કરવાથી પાપોનો નાશ થાય છે. આ વર્ષે મકરસંક્રાંતિ સાથે સંયોગ હોવાથી તેનું પુણ્યફળ અનેક ગણું વધી જાય છે.
દાનનું વિશેષ મહત્વ
મકરસંક્રાંતિના દિવસે દાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ઘાટોની આસપાસ કામચલાઉ દાન સ્ટોલ બનાવવામાં આવ્યા હતા, જ્યાં જરૂરિયાતમંદોને દાન સામગ્રી આપવામાં આવી. મહિલાઓએ સ્નાન બાદ પરંપરા મુજબ શિવલિંગ બનાવી પૂજા પણ કરી. ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ, મેજિસ્ટ્રેટ, ડાઇવર્સ અને NDRFની ટીમો ઘાટ પર તૈનાત હતી. દિવસભર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત દેખરેખ રાખવામાં આવી.
સૂર્યદેવના મંદિરોમાં પૂજા અર્ચના
ગંગા સ્નાન બાદ ભક્તોએ વિષ્ણુ ભગવાન અને સૂર્યદેવના મંદિરોમાં જઈ પૂજા અર્ચના કરી. ભક્તોએ કહ્યું કે આ દુર્લભ સંયોગમાં કરેલું સ્નાન અને દાન જીવનમાં સમૃદ્ધિ, આરોગ્ય અને માનસિક શાંતિ આપે છે. સમગ્ર દિવસ દરમિયાન પટનાના ગંગા ઘાટો શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર બની રહ્યા.
આ પણ વાંચો : Makar Sankranti 2026 : રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં મકરસંક્રાંતિની રજા