અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પીએમ મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેમણે સિવિલ હોસ્પિટલમાં જઇને ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી. તેઓ ઘટના સ્થળે પણ ગયા હતા. ત્યાં ગયા બાદ પીએમ મોદીએ આ પરિસ્થિતિનું વર્ણન ટ્વિટર પર તેમના શબ્દોમાં કર્યુ છે. પીએમ મોદીએ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે અમદાવાદમા ંથયેલી દુર્ઘટનાથી સૌ કોઇ સ્તબ્ધ છે.
દુઃખદ ઘટના- પીએમ મોદી
મે આજે અમદાવાદમાં દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યો. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે અમારી સંવેદનાઓ અકબંધ છે.
અમે તમારુ દુઃખ સમજીએ છીએ - પીએમ મોદી
અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તેનું વર્ણન શબ્દોમાં થાય તેમ નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે સ્વજનોના ગયા પછી રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ.
સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
મહત્વનું છે કે પીએમ મોદી શુક્રવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને એર ઈન્ડિયા AI-171 દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને મળ્યા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ હતા. ઘાયલો સાથે સમય વિતાવ્યા પછી અને ચાલી રહેલી સારવારની સમીક્ષા કરી હતી.