વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના ટળી છે. પ્લેને ટેક ઓફ કર્યાના થોડી મિનિટો પછી વિમાનના એન્જિનમાં ટેકનિકલ સમસ્યા આવી અને જેના કારણે પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું છે. વિમાનમાં 103 મુસાફરો સવાર હતા અને તે તમામ લોકો સુરક્ષિત છે.
પાયલોટ અને સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી
વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 2658 બપોરે 2:38 વાગ્યે ઉડાન ભરી હતી. ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી, વિમાનમાં એન્જિનમાં ખામી સર્જાઈ હતી. મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપતા પાયલોટે ફ્લાઈટ રદ કરીને વિશાખાપટ્ટનમ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ વિમાન વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ત્યારબાદ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. એરલાઈને બધા મુસાફરો માટે હૈદરાબાદ માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. પાયલોટની તત્પરતા અને એરપોર્ટ સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ તે જાણીને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.













