અમદાવાદમાં એર ઇન્ડિયાનુ વિમાન ક્રેશ થયુ તે બાદ ફ્લાઇટને લઇને સમાચારો વધારે સામે આવી રહ્યા છે. મોટા ભાગની ફ્લાઇટ કેન્સલ થઇ રહી છે તો કેટલીક ફ્લાઇટને તો અધવચ્ચેથી જ પરત લાવવી પડી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી પરંતુ આ ઘટના બાદ લાગે છે કે ફ્લાઇટ સંચાલકો હવે બરાબર ફ્લાઇટના ટેક્નિકલ પાસાને ચેક કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ એક જ દિવસમાં 4 ફ્લાઇટમાં ખામી હોવાનું સામે આવ્યું જ્યારે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ કરી હોવાનું સામે આવ્યું છે.
આ ફ્લાઇટ થઇ કેન્સલ
હાલ દિલ્હીથી પેરિસ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 17 જૂનના રોજ દિલ્હીથી પેરિસ જતી ફ્લાઇટ AI143 રદ કરવામાં આવી છે. ફરજિયાત પ્રી-ફ્લાઇટ તપાસમાં એક સમસ્યાની ઓળખ થઇ છે જેનો હાલમાં ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. જોકે, પેરિસ ચાર્લ્સ ડી ગૌલ (CDG) એરપોર્ટ પર રાત્રિ સંચાલન પર પ્રતિબંધો હેઠળ આવતી ફ્લાઇટને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે અમે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છીએ અને મુસાફરો દ્વારા રદ કરવા અથવા મફત રિશેડ્યુલિંગ પર સંપૂર્ણ રિફંડ પણ આપી રહ્યા છીએ. પરિણામે, 17 જૂન, 2025ના રોજ પેરિસથી દિલ્હી જતી ફ્લાઇટ AI142 પણ રદ કરવામાં આવી છે.
અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ રદ
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પહેલા પણ એર ઈન્ડિયાની ફ્લાઈટોમાં ખામી સર્જાવાના બનાવો સામે આવ્યા હતાં. પરંતુ આ ઘટના બાદ ફરીવાર અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયાની બોઇંગ 788 ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના સામે આવી છે. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. બપોરે 1.10 વાગ્યે ટેક ઓફ થવાની હતી પરંતુ ખામી સર્જાવાને કારણે ફ્લાઈટને રદ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાઈ પડ્યા હતાં.
સાનફ્રાન્સિકોથી મુંબઈ જતી ફલાઈટમાં ટેક્નિકલ ખામી
સાનફ્રાન્સિકોથી મુંબઈ જતી ફલાઈટમાં ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા. આ ઘટના મંગળવારે સવારે બની હતી જ્યારે વિમાન સમયસર 12:45 વાગ્યે કોલકાતા પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ, AI180 વિમાનના ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડું. ફલાઈટે ઉડાન ભર્યાના લગભગ 90 મિનિટ પછી પાઈલટને ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં આવતા કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું.
16 જૂને એક ફ્લાઇટ પરત આવી
એરઇન્ડિયાનુ વિમાન અમદાવાદમાં ક્રેશ થયુ. જે બાદ ફ્લાઇટને લઇને અનેક એવા સમાચારો સામે આવી રહ્યા છે કે એમ થાય કે પ્લેનમાં બેસવુ કે નહી. ક્યાંક પ્લેનમાં ટેક્નિકલ ખામી તો ક્યાંક પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીઓ મળે છે. ત્યારે એર ઇન્ડિયાની હોંગકોંગથી દિલ્હી જતી ફ્લાઇટને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવી છે. તેનું કારણ છે ટેક્નિકલ ખામી. આ પ્લેન હોંગકોંગથી દિલ્હી આવી રહ્યું હતું ત્યારે પ્લેનમાં કંઇક ટેક્નિકલ ખામી હોવાની આશંકા ગઇ. પરિણામે પ્લેનને અધવચ્ચેથી જ પરત મોકલી દેવાયુ છે.