મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર ગઈકાલે મુંબઈમાં કેબિનેટની બેઠકમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અજીત પવાર એક ખાનગી કંપનીના ચાર્ટર્ડ પ્લેનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા, જેમાં તેમની સાથે અન્ય 3 લોકો પણ સવાર હતા. જ્યારે પ્લેન બારામતી એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું, ત્યારે તાઉપટ્ટી પાસે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમાં અજીત પવાર ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તાઉપટ્ટી પાસે પ્લેન ક્રેશ
પુણેમાં આગામી 5 ફેબ્રુઆરીએ યોજાનારી જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે અજીત પવાર બારામતીમાં મહત્વની બેઠકો કરવાના હતા. આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માતના અડધા કલાક પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર લાલા લજપતરાયને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ મૂકી હતી. આ અકસ્માતને કારણે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા વિમાન ક્રેશ થવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને હોસ્પિટલની આસપાસ સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.













