અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને ગે યુગલોના લિવ-ઇન સંબંધોનું રક્ષણ કરવા બાબતે ન્યાયાધીશ વિવેક કુમાર સિંહે જણાવ્યું હતું કે કોઈપણ પુખ્ત વ્યક્તિને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે.
સ્વતંત્ર ઇચ્છાથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર
અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સજેન્ડર અને ગે યુગલોને લિવ-ઇન કરવાની મંજૂરી બાબતના એક ખુબજ મહત્વપૂર્ણ કેસમાં સુનાવણી કરતા અલ્હાબાદ હાઇકોર્ટે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને અન્ય વ્યક્તિઓ વચ્ચે લિવ-ઇન સંબંધોનું રક્ષણ કર્યું છે. અલ્હાબાદ હાઇકોર્ટ તરફથી આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે પુખ્ત વ્યક્તિને સમાજને નુકશાન ન થાય અને અન્યોને સમસ્યા ન થાય એ રીતે પોતાના અંગત નિર્ણયો લેવાનો પૂરો અધિકાર છે. તેઓ પોતાની રીતે નક્કી કરી શકે છે કે તેમનો જીવનસાથી કોણ હશે અને આ બાબતે પરિવાર કે સમાજ દખલ કરી શકે નહીં.
સમાજ આ મામલે દખલ કરી શકે નહીં
આ કેસ મુરાદાબાદ જિલ્લાના માજોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયો હતો જ્યાં બે પુખ્ત વયના અરજદારોએ પોતાની મરજીથી સાથે લિવ-ઇનમાં રહેવાની ઈચ્છા જાહેર કર્યા બાદ સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લીધા બાદ અરજદારોએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા કેમકે અરજદારોને તેમના પરીવાર અને સમાજ તરફથી જીવન અને સંપત્તિને જોખમ અનુભવાયું હતું. પરંતુ જ્યારે સ્થાનિક પોલીસ વિભાગ તરફથી કોઈ મદદ નહિ મળતા બને અરજદારોને આખરે હાઇકોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.
'પરિવારને જીવનમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી'
અરજદારો તરફથી આ કેસ બાબતે જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ વિવેક કુમાર સિંહે જણાવ્યું હતું કે કોઈપણ પુખ્ત વ્યક્તિને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને પરિવાર કે સમાજ આ મામલે દખલ કરી શકે નહીં. આવા સંબંધો બંધારણની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન કરતા નથી. આકાંક્ષા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (2025) નો ઉલ્લેખ કરતા, હાઈકોર્ટે સમર્થન આપ્યું હતું કે લગ્નની ગેરહાજરી અથવા લગ્ન કરવાની અસમર્થતામાં પણ જીવન અને સ્વતંત્રતાના અધિકારો સુરક્ષિત રહે છે.
આ પણ વાંચો: AI Impact Summit 2026 : AIને જે દિશામાં લઇ જશો તેવું તમારુ ભવિષ્ય બનશે, AI નોકરી ઘટાડશે નહી વધારશે, બોલ્યા પીએમ મોદી