જમ્મુ-કાશ્મીર ટ્રાફિક પોલીસે અમરનાથ યાત્રા 2026ને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી 2 જુલાઈથી 28 ઓગસ્ટ, 2026 સુધી અમલમાં રહેશે. યાત્રાળુઓના કાફલાની સુરક્ષિત અને સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે તેમજ કાશ્મીર ખીણના વિવિધ માર્ગો પર ખાસ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે
એડવાઈઝરી મુજબ, બાલટાલ રૂટ માટે યાત્રાળુઓનો કાફલો સવારે 4 વાગ્યે જમ્મુથી રવાના થશે, જ્યારે પહલગામ રૂટ માટેનો કાફલો સવારે 4:15 વાગ્યે પ્રસ્થાન કરશે. બાલટાલ અને પહલગામથી જમ્મુ પરત ફરતા કાફલાઓની રવાનગી સવારે 6 વાગ્યાથી શરૂ થશે. પ્રવાસીઓ અને સામાન્ય મુસાફરો માટે પણ વિવિધ સ્થળોએ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. જમ્મુથી કાશ્મીર ખીણ તરફ જતા વાહનો માટે નગરોટા, ઉધમપુર, ચંદ્રકોટ અને લંબાર-બનિહાલ ખાતે નિર્ધારિત સમય બાદ આગળ જવાની મંજૂરી નહીં મળે. નવયુગ ટનલ પાર કરવાનો અંતિમ સમય બપોરે 3 વાગ્યે રાખવામાં આવ્યો છે.













