ભારતીય નૌકાદળના યુદ્ધજહાજો INS Udaygiri અને INS Kavarattiએ 22થી 24 જૂન દરમિયાન વિયેતનામના Ho Chi Minh Cityની સફળ મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત ભારતીય નૌસેનાની ઓપરેશનલ તૈનાતીનો ભાગ હતી અને તેનું નેતૃત્વ રિયર એડમિરલ આલોક આનંદે કર્યું હતું, જે પૂર્વી નૌકાદળના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ છે.


નેવીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી

મુલાકાત દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળે હો ચી મિન્હ સિટી પીપલ્સ કમિટી અને વિયેતનામ પીપલ્સ નેવીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બંને દેશો વચ્ચે સમુદ્રી સુરક્ષા, વ્યાવસાયિક તાલમેલ અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપિતા Ho Chi Minhની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સંયુક્ત અભ્યાસ અને વ્યાવસાયિક ચર્ચાઓ યોજાઈ

આ પ્રવાસ દરમિયાન ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવીના જવાનો વચ્ચે સંયુક્ત અભ્યાસ અને વ્યાવસાયિક ચર્ચાઓ યોજાઈ હતી. બંને દેશોએ ઓપરેશનલ અનુભવ વહેંચીને સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે INS કવરત્તી પર સંયુક્ત યોગ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વિયેતનામ બ્રહ્મોસ મિસાઈલનો બીજો નિકાસ ગ્રાહક બનશે

ભારત અને વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવતી આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારતે વિયેતનામને બ્રહ્મોસ મિસાઈલની સપ્લાય માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. ફિલિપાઇન્સ બાદ વિયેતનામ બ્રહ્મોસ મિસાઇલનો બીજો નિકાસ ગ્રાહક બનશે. ઉલ્લેખનીય છે કે INS ઉદયગિરી ભારતીય નૌકાદળનું આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ છે, જે બ્રહ્મોસ મિસાઈલ, લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમ, સબમરીન વિરોધી હથિયારો અને અદ્યતન સેન્સરોથી સજ્જ છે. આ મુલાકાત ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ અને પ્રાદેશિક સમુદ્રી સહયોગને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Passport Citizenship Proof: પાસપોર્ટ મામલે વિદેશ મંત્રાલયનું નવીનતમ નિવેદન, જાણો શુ કહ્યુ?


  • Follow us on: