રાજ્યમાં સરકાર દ્વારા ઓપરેશન ડેલ્ટા ચલાવી ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સેંકડો બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે અને તેમની ડિપોર્ટેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ બાંગ્લાદેશીઓ અગાઉ પણ અમદાવાદને પોતાનું મુખ્ય હબ બનાવી ચૂક્યા છે. આખરે તેઓ કેવી રીતે દેશમાં ઘૂસણખોરી કરે છે? કેવી રીતે ગુજરાત સુધી પહોંચે છે? અને આ મુદ્દે ગુજરાતમાં કેવા પ્રકારનું રાજકારણ થઈ ચૂક્યું છે? આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં.
અલગ-અલગ રાજ્યોમાં વસવાટ શરૂ કરી દે છે
રાજ્ય સરકાર દ્વારા ફરી એક વખત ઓપરેશન ડેલ્ટા શરૂ કરવામાં આવ્યું છે અને ગેરકાયદે રીતે દેશમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ પ્રથમ વખત નથી કે આવી ઝુંબેશ હાથ ધરવામાં આવી હોય. અગાઉ પણ અનેક વખત આવા ઓપરેશન ચલાવી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. છતાં બાંગ્લાદેશી ઘૂસણખોરી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે સતત પડકાર બની રહી છે. પશ્ચિમ બંગાળની સરહદના સંવેદનશીલ વિસ્તારો અને ખુલ્લા માર્ગોનો લાભ લઈ આ ઘૂસણખોરો દેશમાં પ્રવેશ કરે છે અને પછી અલગ-અલગ રાજ્યોમાં વસવાટ શરૂ કરી દે છે.
લાંબું અંતર ઘૂસણખોરી માટે અનુકૂળ સાબિત થાય છે
ક્રાઈમ બ્રાન્ચ JCP શરદ સિંઘલે કહ્યું હતું કે, ઘૂસણખોરી કરી ગુજરાતમાં આવતા બાંગ્લાદેશીઓ માટે અમદાવાદ વર્ષોથી મુખ્ય કેન્દ્ર રહ્યું છે.અત્યાર સુધી ઝડપાયેલા 568 ઘૂસણખોરોમાંથી 191 જેટલા માત્ર અમદાવાદમાંથી ઝડપાયા છે.અગાઉ ઝડપાયેલા બાંગ્લાદેશીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ ચૂક્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળની સરહદ પરથી એજન્ટો મારફતે ગેરકાયદે રીતે દેશમાં પ્રવેશ કરાવવામાં આવે છે.આ માટે ઘૂસણખોરો પાસેથી તેમની જરૂરિયાત અને જોખમના આધારે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવે છે.પશ્ચિમ બંગાળની સરહદના અનેક વિસ્તારોમાં નદી-નાળા,જંગલ વિસ્તાર અને બે સુરક્ષા ચોકીઓ વચ્ચેનું લાંબું અંતર ઘૂસણખોરી માટે અનુકૂળ સાબિત થાય છે.આવા વિસ્તારોનો લાભ લઈ તેમને દેશમાં પ્રવેશ અપાવવામાં આવે છે.
પોલીસે પોતાનું બાતમીદાર નેટવર્ક વધુ સક્રિય કર્યું
પોલીસ તપાસ મુજબ દેશમાં પ્રવેશ્યા બાદ સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે.ત્યારબાદ આ લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાં મોકલવામાં આવે છે અને ત્યાં સ્થાયી થવાનો પ્રયાસ કરે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો ડિપોર્ટ થયા બાદ ગણતરીના દિવસોમાં ફરીથી ભારતમાં પ્રવેશ કરી જાય છે. જેને લઈને હવે પોલીસે પોતાનું બાતમીદાર નેટવર્ક વધુ સક્રિય કર્યું છે.ઘૂસણખોરી કરીને આવતા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ દેહવ્યાપારના ધંધા સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે પુરુષો ભંગાર એકત્ર કરવું, કચરો વીણવો જેવા કામો કરતા જોવા મળે છે. જોકે ઘણા લોકો દારૂના વેપાર, ડ્રગ્સના નેટવર્ક, નકલી ચલણી નોટોની હેરાફેરી અને અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ગુજરાતમાં લાંબા સમયથી રાજકીય ચર્ચાનો વિષય
ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરીનો મુદ્દો અમદાવાદ અને ગુજરાતમાં લાંબા સમયથી રાજકીય ચર્ચાનો વિષય રહ્યો છે.ભાજપે અનેક વખત આરોપ લગાવ્યો છે કે કેટલાક રાજકીય પક્ષો , લેફ્ટિસ અને કથિત બુદ્ધિજીવીઓ આવા ઘૂસણખોરો પ્રત્યે નરમ વલણ દાખવતા રહ્યા છે.ભાજપનો દાવો છે કે વર્ષો પહેલાં કોંગ્રેસના શાસન દરમિયાન જ ચંડોળા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે વસાહતો વિકસવા લાગી હતી અને ઘૂસણખોરોને વોટબેંક તરીકે જોવામાં આવતા હતા. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં બદલાયેલા રાજકીય અને વહીવટી માહોલ બાદ સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.શુભેન્દુ સરકારે બોર્ડર એરિયાની આશરે 450 કિમી થી વધુની જમીન કેન્દ્ર સરકારને સોંપી છે. કેન્દ્ર સરકાર બીએસએફ ની મદદ થી ફેનસિંગ ની કામગીરી શરૂ કરી છે
એજન્સીઓ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર
ભાજપના પ્રવક્ત ડો. અનિલ પટેલે કહ્યું હતું કે, ઓપરેશન ડેલ્ટા હેઠળ ચાલી રહેલી કાર્યવાહી એ સ્પષ્ટ કરે છે કે ગેરકાયદે ઘૂસણખોરી માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. વર્ષો સુધી નકલી ઓળખના આધારે દેશમાં વસવાટ કરતા અને વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આવા ઘૂસણખોરો સામે હવે કડક કાર્યવાહી થઈ રહી છે.પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડિપોર્ટ કરાયા બાદ પણ કેટલાક ઘૂસણખોરો ફરીથી દેશમાં કેવી રીતે પ્રવેશી જાય છે? આખરે આ નેટવર્કને આશરો કોણ આપે છે? અને સરહદથી લઈને શહેર સુધીની આખી ચેઈન ક્યારે તૂટશે? ફિલહાલ ઓપરેશન ડેલ્ટા યથાવત છે, પરંતુ ઘૂસણખોરીના મૂળ સુધી પહોંચીને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં સુરક્ષા એજન્સીઓ કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચોઃ PM Modi Speech : દેશની જનતા કોંગ્રેસને વારંવાર કરારો જવાબ આપે છે, ગુજરાતમાં તો હાંસિયામાં ધકેલી દેવાઈ