પશ્ચિમ એશિયામાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા સૈન્ય તણાવ વચ્ચે, ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઈરાનમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતે એક નવી એડવાઈઝરી (સલાહકાર) જારી કરી છે. આ એડવાઈઝરીમાં ભારતીયોને ઈરાનની મુસાફરી ન કરવાની કડક સૂચના આપવામાં આવી છે, તેમજ જે નાગરિકો હાલ ત્યાં હાજર છે તેમને ઉપલબ્ધ ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે ઈરાન છોડી દેવા માટે વિનંતી કરવામાં આવી છે.


ભારતીય દૂતાવાસે આપી સત્તાવાર માહિતી

ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, "સમગ્ર વિસ્તારમાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમોને જોતાં, દૂતાવાસ તમામ ભારતીય નાગરિકોને ઈરાનની મુસાફરી ટાળવા માટેની તેની અગાઉની સલાહનો પુનરોચ્ચાર કરે છે. આ ઉપરાંત, જે ભારતીયો અત્યારે ઈરાનમાં છે, તેમને ઉપલબ્ધ પરિવહનના સાધનો દ્વારા વહેલી તકે દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે".

ભારતીય દૂતાવાસે કેમ જારી કરવું પડ્યું એલર્ટ?

ઇરાનમાં રહેતા નાગરિકો દ્વારા ભારતીય દૂતાવાસ તરફી એલર્ટ જારી કરાયું. આ ગંભીર એલર્ટ પાછળનું મુખ્ય કારણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલો સીધો સૈન્ય સંઘર્ષ છે. સોમવાર, ૮ જૂનની વહેલી સવારે ઈરાને ઈઝરાયલ પર ત્રીજા તબક્કાના ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલામાં ઈઝરાયલના બે મોટા સૈન્ય મથકો—નેવાટીમ અને ટેલ નોફ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઈરાનની અર્ધલશ્કરી સંસ્થા 'રિવોલ્યુશનરી ગાર્ડ' દ્વારા આ હુમલાને 'ઓપરેશન નાસ્ર' (જેનો અર્થ "વિજય" થાય છે) નામ આપવામાં આવ્યું છે. ગાર્ડના જણાવ્યા અનુસાર, ઈઝરાયલે અગાઉ ત્રણ ઈરાની વિસ્તારોમાં આવેલા તેમના રડાર સ્ટેશનોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબી પગલા રૂપે ઈરાને આ મિસાઈલો દાગી છે.

પશ્ચિમ એશિયામાં ભયનો માહોલ, ભારતની ચાંપતી નજર

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ સીધી અથડામણોને પગલે સમગ્ર પશ્ચિમ એશિયા યુદ્ધના મુખમાં ધકેલાઈ ગયું છે અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકાર આ સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ જ બારીકાઈથી અને નજીકથી નજર રાખી રહી છે. દૂતાવાસે આ પ્રદેશમાં રહેતા તમામ ભારતીયોને અત્યંત સાવચેત રહેવા, બિનજરૂરી હિલચાલ ટાળવા અને સુરક્ષા સંબંધી અદ્યતન અપડેટ્સ મેળવવા માટે સતત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા અપીલ કરી છે.


આ પણ વાંચો : Delhi TMC: દિલ્હીમાં મમતા બેનર્જીને મોટો ઝટકો, રાજ્યસભાના સાંસદે રાજીનામું આપીને પાર્ટી છોડી

  • Follow us on: