દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભીષણ આગના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 'ફ્લોરિશ સ્ટે બી એન્ડ બી' (Flourish Stay B&B) હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે. પોલીસ કસ્ટડીમાં આરોપીએ અકસ્માત અને હોટેલના બાંધકામને લઈને કેટલાય મહત્વના ખુલાસા કર્યા છે.


બુધવારે 5 માળની હોટલમાં લાગી આગ 

ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ હૌજ રાની વિસ્તારમાં આવેલી આ પાંચ માળની ઇમારતમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ૨૧ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.


"ડરના માર્યા હું ભાગી ગયો હતો" – હોટેલ માલિકની કબૂલાત

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી લવકેશ બજાજે જણાવ્યું કે તેની પાસે હોટેલના રોજિંદા વહીવટ અને મેનેજમેન્ટ માટે સમય નહોતો, તેથી તેણે આ જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી દીધી હતી.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે હોટેલમાં આગ લાગી ત્યારે લવકેશ તે જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે, આગ જોઈને તે એટલો ગભરાઈ ગયો હતો કે તે ત્યાં રોકાયા વગર ભાગી ગયો હતો. ધરપકડથી બચવા માટે તે પોતાના ઘરે પણ નહોતો ગયો અને આખો દિવસ રસ્તાઓ પર ભટકતો રહ્યો હતો.


3 વર્ષ પહેલાં ખરીદી હતી જર્જરિત ઇમારત: નિયમોના ધજાગરા

  • લવકેશના જણાવ્યા અનુસાર, તેણે આ પ્રોપર્ટી આશરે ત્રણ વર્ષ પહેલાં ખરીદી હતી. તે સમયે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને ત્યાં ખાદીની દુકાન ચાલતી હતી. લવકેશે દાવો કર્યો છે કે તેની પાસે બેડ એન્ડ બ્રેકફાસ્ટ (BNB), ટુરિસ્ટ અને રેસ્ટોરન્ટ ચલાવવાની મંજૂરી હતી. જો કે, તપાસમાં કંઈક અલગ જ વાર્તા સામે આવી છે. 
  • 6 ના બદલે 25 રૂમ: દિલ્હી સરકારની પોલિસી મુજબ આ હોટેલને માત્ર 6 રૂમ ઓપરેટ કરવાની મંજૂરી હતી, પરંતુ લાલચમાં આવીને અહીં 25 રૂમ બનાવી દેવાયા હતા.
  • ગેરકાયદેસર બાંધકામ: બિલ્ડિંગમાં નિયમો વિરુદ્ધ જઈને વધારાના માળ ચણવામાં આવ્યા હતા.
  • ફાયર NOC નો અભાવ: નિયમ મુજબ 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે ફાયર વિભાગનું કમિશનિંગ (NOC) ફરજિયાત છે, જે આ હોટેલ પાસે નહોતું. બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો.


હોટેલ માલિક સામે ગુનાહિત માનવવધનો ગુનો દાખલ

દિલ્હી પોલીસે હોટેલ માલિક અને તેના ભાગીદારો સામે કડક કાનૂની સિકંજો કસ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (ગુનાહિત માનવવધ), 326(G), 324(5), 125(A), 125(B) અને 287 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે, જેથી આ બેદરકારીમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચી શકાય.


કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો

આગ લાગી ત્યારે હોટેલની અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડીને બહાર કૂદવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય તપાસ એજન્સીઓ આ ભયાનક દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો અને સુરક્ષાના નિયમોમાં થયેલી ગંભીર ચૂક અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

  • Follow us on: