કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં 3 બિલ પસાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 3 બિલ રજૂ કર્યા હતા, જેનો વિપક્ષી સાંસદોએ વિરોધ કર્યો. લોકસભામાં વિપક્ષી સાંસદોએ બિલની કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો. મહત્વનું છે કે પ્રધાનમંત્રી, મંત્રી , સીએમ કે અન્ય મંત્રીઓની ગંભીર ગુનાઓ મામલે જો ધરપકડ કે કસ્ટડીમાં લેવામાં આવે, તેઓ 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેઓને તેમના પદ પરથી હટાવી શકાય છે. આવુ બિલ આજે સરકાર રજૂ કર્યું જેનો લોકસભામાં ભારે વિરોધ થયો અને હોબાળો થયો.
કયા બિલ કરાયા રજૂ ?
કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર (સુધારા) બિલ 2025, બંધારણ (એકસો ત્રીસમો સુધારો) બિલ 2025 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2025નો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ત્રણેય બિલોને સંસદની સંયુક્ત સમિતિને મોકલવા માટે લોકસભામાં એક પ્રસ્તાવ પણ રજૂ કર્યો.
વિપક્ષે કર્યો વિરોધ
વિપક્ષ વતી અસદુદ્દીન ઓવૈસી, મનીષ તિવારી અને એનકે પ્રેમચંદ્રને આ બિલનો વિરોધ કર્યો. એન. કે પ્રેમચંદ્રને કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે. આ વિપક્ષી સરકારોને અસ્થિર કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. એન.કે પ્રેમચંદ્રનના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે અમે આ બિલને સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છીએ.
કેન્દ્રશાસિત સુધારા બિલ શું છે?
કેન્દ્રશાસિત પ્રદેશ (સુધારા) બિલ, 2025ના ઉદ્દેશ્યો અને કારણોના નિવેદન મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ, 1963 (1963નો 20) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને પદ પરથી દૂર કરી શકાય. તેથી આ કાયદાની કલમ 45 માં સુધારો કરીને આવી પરિસ્થિતિ માટે કાનૂની જોગવાઈ કરવી જરૂરી છે.
બંધારણનો 130મો સુધારો
બંધારણ (130મો સુધારો) બિલ, 2025 ના ઉદ્દેશ્યો જણાવે છે કે ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અને અટકાયતના કિસ્સામાં મંત્રીને દૂર કરવાની બંધારણમાં કોઈ જોગવાઈ નથી. આથી પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી કે રાજ્યો અને દિલ્હીના મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરવાની જોગવાઈ કરવી હોય તો બંધારણની કલમ 75, 164 અને 239AA માં સુધારો કરવાની જરૂર જણાય છે. .
આથી નવી જોગવાઈઓ હેઠળ જો પીએમ, રાજ્યોના મુખ્યમંત્રી અથવા મંત્રી સહિત કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુના માટે સતત 30 દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે છે, તો તેને પદ પરથી દૂર કરી શકાય છે.
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારામાં બિલ શું ?
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 (2019 ના 34) માં એવી કોઈ જોગવાઈ નથી કે જેના હેઠળ ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં મુખ્યમંત્રી અથવા મંત્રીને દૂર કરી શકાય. તેથી જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારામાં બિલ મુજબ તેની કલમ 54 માં સુધારો કરવામાં આવશે. આ કલમમાં નવી કલમ (4A) ઉમેરવામાં આવશે.
31માં દિવસે આપોઆપ સત્તા પરથી દૂર
નવી કલમો મુજબ હવેથી જો કોઇ મંત્રી કે પછી નેતા પોતાના કાર્યકાળ દરમિયાન સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો તેઓને 31મા દિવસે મુખ્યમંત્રીની સલાહ પર ઉપરાજ્યપાલ દ્વારા પદ પરથી હટાવી દેવાશે. જો આ અંગે સીએમ દ્વારા કોઇ સંજ્ઞાન લેવામાં ન આવે તો બીજા દિવસે તે મંત્રી કે નેતા પોતાની જાતે જ રાજીનામુ આપી દેશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો માટે પણ આવી જ પદ્ધતિ પ્રસ્તાવિત છે, જ્યાં અટકાયત કરાયેલા મંત્રી અથવા વડા પ્રધાનને સતત 30 દિવસની અટકાયતના 31મા દિવસે દૂર કરવામાં આવશે.













