અમૃતસર સ્થિત શ્રી હરિમંદિર સાહેબને ત્રણ દિવસમાં ત્રીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ અને એસજીપીસી તરફથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ એકવાર આજે ઇમેઇલ આવ્યો છે. આ ઇમેઇલ એસજીપીસીના પ્રબંધકોને મોકલવામાં આવ્યો છે.
શું લખ્યુ છે ઇમેઇલમાં?
હાલ શ્રી હરિમંદિર સાહિબ પરિસર અને તેની આસપાસ પોલીસ તરફથી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. આ સાથે જ અર્ધ સૈનિક બળ પણ તહેનાત કરાયા છે.ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું કે આસપાસની પાઇપોમાં આરડીએક્સ ભરી દીધુ છે અને તેની સાથે જ બ્લાસ્ટ કરી દેવામાં આવશે. જ્યારે પોલીસ કમિશ્નર ગુરપ્રિત સિંહે કહ્યું કે સુરક્ષા દળ તૈનાત કર્યા છે. સાયબર સેલની તરફથી ઇમેઇલની તપાસ કરવામાં આવી રહી છે. બહુ જલ્દી તોફાની તત્વોને ઝડપી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. SGPCએ આ ગંભીર જોખમને જોતા પંજાબના મુખ્યપ્રધાનને પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોતાના પત્રમાં SGPCએ લખ્યું હતું કે શ્રી અમૃતસર સાહિબની ઈમેઈલ આઈડી પર વધુ એક ઈમેઈલ મળ્યો છે. આ ઈમેઈલમાં કોઈએ સચ્ચખંડ શ્રી હરમંદિર સાહિબમાં RDX રાખવાના ષડયંત્રની જાણકારી આપી છે. SGPCએ પંજાબ સરકાર પાસે આગ્રહ રાખ્યો છે કે તે તાત્કાલિક આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરાવે અને ગુરૂદ્વારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે.
તંત્ર એલર્ટ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ આ પ્રકારની ધમકી SGPCને ઈમેઈલ દ્વારા મળી ચૂકી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સર્તક છે. હાલમાં આ મામલાને લઈ SGPC અને સ્થાનિક તંત્ર બંને ખુબ જ ગંભીર છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે પણ ગોલ્ડન ટેમ્પલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ એજન્સીઓ એલર્ટ મોડ પર છે. વારંવાર મળી રહેલી ધમકી બાદ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.













