આંધ્ર પ્રદેશના કર્નૂલ જિલ્લાના જોન્નાગિરી વિસ્તારને હવે દેશના ગોલ્ડ મેપ પર વિશેષ સ્થાન મળવા જઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ બુધવારે દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અંદાજે રૂ. 405 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજના Geomysore Services India Private Limited અને Deccan Gold Mines Limited દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.


ખાણ અને પ્રોસેસિંગ પ્લાન્ટનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ 

પ્રોજેક્ટ હેઠળ ગોલ્ડ પ્રોસેસિંગ પ્લાન્ટની પ્રથમ યુનિટ શરૂ કરવામાં આવશે, જ્યારે બીજી યુનિટનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું છે. ખાણ અને પ્રોસેસિંગ પ્લાન્ટનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે હવે વ્યાવસાયિક સ્તરે સોનાનું ઉત્પાદન શરૂ થશે. સરકારે આ પ્રોજેક્ટ માટે 1,500 એકર જમીન ફાળવી છે. પ્રથમ તબક્કામાં 600 એકર વિસ્તારમાં ખનન કાર્ય શરૂ થશે. અંદાજ મુજબ પ્રથમ વર્ષે અહીંથી આશરે 400 કિલોગ્રામ સોનાનું ઉત્પાદન થશે, જે આગામી વર્ષે વધીને 900 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. ભવિષ્યમાં પ્રોસેસિંગ ક્ષમતા વધતા દર વર્ષે લગભગ 2 ટન સોનાનું ઉત્પાદન શક્ય બનશે.

આંધ્ર પ્રદેશ પણ દેશના અગ્રણી ગોલ્ડ માઈનિંગ કેન્દ્રોમાં સામેલ

આ પ્રોજેક્ટથી લગભગ 700 લોકોને સીધો અને પરોક્ષ રોજગાર મળશે. ઉપરાંત રાજ્ય સરકારને ઉત્પાદિત સોનાની કિંમત પર 4 ટકા રોયલ્ટી મળશે. 400 કિલોગ્રામ ઉત્પાદન પર સરકારને અંદાજે રૂ. 57 કરોડ અને 900 કિલોગ્રામ ઉત્પાદન પર લગભગ રૂ. 144 કરોડની આવક થવાની શક્યતા છે. અત્યાર સુધી ભારતમાં સોનાની ખાણો માટે મુખ્યત્વે Kolar Gold Fields જાણીતી હતી, પરંતુ જોન્નાગિરી પ્રોજેક્ટ શરૂ થતાં આંધ્ર પ્રદેશ પણ દેશના અગ્રણી ગોલ્ડ માઇનિંગ કેન્દ્રોમાં સામેલ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો : Ujjain Mahakal Temple: મહાકાલ મંદિરની આવકે તોડ્યા તમામ રેકોર્ડ, વર્ષ 2025-26માં થઈ રૂ.144 કરોડથી વધુની કમાણી


  • Follow us on: