ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોની વધતી સંખ્યાની સાથે મંદિરની આવકમાં પણ ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં મંદિરને આશરે ₹144 કરોડ 14 લાખ 23 હજારની રેકોર્ડબ્રેક આવક થઈ છે. વર્ષ 2022માં 'મહાકાલ લોક'ના ભવ્ય ઉદ્ઘાટન બાદ અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે, જેની સીધી અસર મંદિરના ખજાના પર જોવા મળી રહી છે. 


મહાકાલેશ્વર મંદિરની દાનપેટીમાં થઈ વધુ આવક

મંદિર વહીવટીતંત્રના સત્તાવાર ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં મંદિરને વિવિધ સ્ત્રોતો દ્વારા કરોડો રૂપિયા પ્રાપ્ત થયા છે. સૌથી મોટો ફાળો લાડુ પ્રસાદનો રહ્યો છે, જેના વેચાણથી આશરે ₹65 કરોડની આવક થઈ છે. ભક્તો દ્વારા દાનપેટીઓમાં ₹62 કરોડ અર્પણ કરવામાં આવ્યા છે. કેશ કાઉન્ટર પરથી ₹5.5 કરોડ (55 મિલિયન), ઓનલાઈન માધ્યમથી ₹3.6 કરોડ (36 મિલિયન), અનામી દાન તરીકે ₹4.65 કરોડ (46.5 મિલિયન) અને અન્નક્ષેત્ર માટે ₹3.38 કરોડ (33.8 મિલિયન) મળ્યા છે. જ્યારે મની ઓર્ડર દ્વારા ₹1,23,000 પ્રાપ્ત થયા છે. આ રોકડ સિવાય ભક્તો દ્વારા સોના, ચાંદી અને અન્ય કિંમતી આભૂષણોનું પણ મોટું દાન આપવામાં આવ્યું છે, જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી છે.

'મહાકાલ લોક' બન્યા પછી શ્રદ્ધાળુઓનો ઘોડાપૂર

૧૧ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'શ્રી મહાકાલ લોક'નું ઉદ્ઘાટન કર્યું ત્યારથી અહીં દર્શનાર્થીઓની સંખ્યા આકાશે આંબી રહી છે. 2022 પહેલા મંદિરમાં દરરોજ સરેરાશ 50,000 ભક્તો આવતા હતા. હવે સામાન્ય દિવસોમાં પણ દરરોજ 1,50,000 થી 2,00,000 ભક્તો બાબા મહાકાલના દર્શને આવે છે. ભક્તોની આ સંખ્યા વધવાને કારણે મંદિરની આવકમાં પણ લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે.

છેલ્લા કેટલાક વર્ષોના વાર્ષિક દાનના આંકડા

મહાકાલ મંદિરમાં વાર્ષિક દાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૫ કરોડ ૪ લાખ રૂપિયા, ૨૦૨૦-૨૧ ૯ કરોડ ૪૬ લાખ રૂપિયા, ૨૦૨૧-૨૨ ૧૯ કરોડ ૯૭ લાખ રૂપિયા, ૨૦૨૨-૨૩ ૩૮ કરોડ ૯૧ લાખ રૂપિયા, ૨૦૨૩-૨૪ ૫૯ કરોડ ૯૧ લાખ રૂપિયા અને ૨૦૨૪-૨૫ ૫૧ કરોડ ૨૨ લાખ રૂપિયા છે.

દાનની ગણતરીમાં રખાય છે સખત પારદર્શિતા

મંદિર સમિતિના સહાયક પ્રશાસક આશિષ ફળવાડિયાના જણાવ્યા મુજબ, મંદિર પરિસરમાં કુલ 95 દાનપેટીઓ મૂકવામાં આવી છે. તેને દર અઠવાડિયે કડક સુરક્ષા વચ્ચે ખોલીને ખાસ ગણતરી ખંડમાં લઈ જવાય છે. સમગ્ર ગણતરી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ અને સીસીટીવી દ્વારા મોનિટરિંગ થાય છે. પારદર્શિતા જાળવવા માટે ગણતરી કરનાર કર્મચારીઓ માત્ર ખિસ્સા વગરના અથવા ટાંકાવાળા (સીવેલા) ખિસ્સાવાળા કપડાં પહેરીને જ અંદર પ્રવેશી શકે છે.

આવકની સાથે સુવિધાઓનો ખર્ચ પણ બમણો થયો

મહાકાલ લોકના નિર્માણ બાદ મંદિરનો વિસ્તાર 2.82 હેક્ટરથી વધીને 47 હેક્ટર થઈ ગયો છે અને હાલમાં 306 કર્મચારીઓ ત્યાં કાર્યરત છે. ભક્તોની સુવિધા વધારવાની સાથે મંદિરનો વ્યવસ્થાપન ખર્ચ પણ વધ્યો છે. પહેલા જે માસિક ખર્ચ આશરે ₹2.5 કરોડ હતો, તે હવે વધીને ₹5 કરોડથી વધુ થઈ ગયો છે.

ભક્તોના દાનના નાણાં ક્યાં વપરાય છે?

મહાકાલ મંદિરમાં કરાતા દાનના રૂપિયા ટ્રસ્ટ દ્વારા યોગ્ય રીતે જ ઉપયોગમાં લેવાય છે. આ દાનના રૂપિયા કર્મચારીઓનો પગાર, સુરક્ષા અને કડક સ્વચ્છતા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત 

અન્નક્ષેત્ર (મફત ભોજન), ધર્મશાળા, ગૌશાળા સંચાલન અને વૈદિક સંશોધન સંસ્થામાં પણ દાનની રકમનો ઉપયોગ કરાય છે. મહાશિવરાત્રી, શ્રાવણ માસ અને નાગપંચમી જેવા મોટા ઉત્સવોમાં લાખો ભક્તો માટે પીવાનું પાણી, શેડ અને દર્શનની સુચારુ વ્યવસ્થા કરવા પાછળ આ રકમ ખર્ચાય છે.


આ પણ વાંચો : 100 Traffic Challan Long Receipt: ટ્રાફિક નિયમ ભંગમાં 50% ડિસ્કાઉન્ટ લેવા પહોંચ્યો શખ્સ...પોલીસે 27500ની રસીદ પકડાવી

  • Follow us on: