તીવ્ર ગરમી અને 42 ડિગ્રી તાપમાન વચ્ચે અયોધ્યાથી ભક્તો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ એસી વેઈટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ જન્મભૂમિ પથ પર બે નવા એસી વેઈટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં એક સાથે લગભગ 3000 શ્રદ્ધાળુઓ આરામથી બેસી શકશે.
એસી અને પંખા સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા કરાશે
આ વેઈટિંગ રૂમમાં ગરમી, લૂ અને વરસાદ જેવી પરિસ્થિતિમાં પણ ભક્તોને આરામદાયક સુવિધા મળશે. અહીં મોટી LED સ્ક્રીન પર ભગવાન શ્રીરામના લાઈવ દર્શન અને ભજન સાંભળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, એસી અને પંખા સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા, લોકર સુવિધા અને સ્વચ્છ વાતાવરણથી ભક્તોની યાત્રા વધુ સુખદ બનશે.
મધુબની પેઈન્ટિંગ્સ બનાવવામાં આવી
આ વેઈટિંગ રૂમની દિવાલો પર લગભગ 400 ફૂટ લાંબી હસ્તકલા આધારિત મધુબની પેઈન્ટિંગ્સ બનાવવામાં આવી છે, જે ભક્તોને અનોખો આધ્યાત્મિક અનુભવ કરાવે છે. આ ચિત્રોમાં ભગવાન શ્રીરામના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીના પ્રસંગોને 22 પેનલમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં સીતાસ્વયંવર, વનવાસ, હનુમાનજી સાથેની મુલાકાત, લંકાદહન અને રાવણ વધ જેવા મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે.
આ પેઈન્ટિંગ્સ મિથિલાની 15 મહિલા કલાકારો દ્વારા બે મહિનામાં તૈયાર કરવામાં આવી છે અને તેમાં હળદર, કાજળ, ગેરુ અને નીલ જેવા કુદરતી રંગોનો ઉપયોગ થયો છે. મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ભક્તોને વધુ સુવિધા આપવાનો મુખ્ય હેતુ છે. ગરમીના સમયમાં છાંયડો, પાણી અને આરામની તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી કોઈપણ ભક્તને અસુવિધા ન થાય. શ્રી રામ જન્મભૂમિ મંદિર હવે શ્રદ્ધા સાથે આધુનિક સુવિધા અને સાંસ્કૃતિક વારસાનું ઉત્તમ સંયોજન બની રહ્યું છે.
આ પણ વાંચો : Uttar Pradeshને મળશે સૌથી લાંબો એક્સપ્રેસ વે, 29 એપ્રિલે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન