બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્રને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંકલ્પ પત્રને લઈને આજે પટનામાં ભાજપની બિહાર ચૂંટણીના મેનિફેસ્ટો કમિટીની બેઠક થશે અને આ બેઠકમાં ભાજપના સંકલ્પ પત્રના મુદ્દાઓ અને વચનોને આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠકમાં સંકલ્પ પત્રને જાહેર કરવાની તારીખ પણ નક્કી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપનું સંકલ્પ પત્ર 30 ઓક્ટોબરે જાહેર થઈ શકે છે. ગૃહપ્રધાન અમિત શાહ તેને જાહેર કરી શકે છે. તેની સાથે જ NDAની સાથે એજન્ડા ફોર ગવર્નસ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.


કયા મુદ્દાઓ પર મુકાશે ભાર?

તેમાં NDAના તમામ સાથી પક્ષોના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થશે. બિહારને શૈક્ષણિક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે. યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે ઘણી મોટી યોજનાઓની જાહેરાત થઈ શકે છે. 243 સભ્યોની બિહાર વિધાનસભા માટે ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે. મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. ભાજપ 101 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ઈન્ડિયા ગઠબંધનનું ઘોષણાપત્ર ક્યારે જાહેર કરાશે?

વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન આજે મંગળવારે પોતાનું ઘોષણાપત્ર બહાર પાડશે. મહાગઠબંધન પોતાનું ઘોષણાપત્ર બહાર પાડે તેના એક દિવસ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બુધવારે પ્રચાર શરૂ કરશે. એવી અટકળો છે કે ઘોષણાપત્રને જાહેર કરવા દરમિયાન અન્ય મહત્વપૂર્ણ રાજકીય જાહેરાતો કરવામાં આવી શકે છે, જેમાં નાયબ મુખ્યમંત્રી તરીકે લઘુમતી સમુદાયના નેતાની નિમણૂકનો સમાવેશ થાય છે.

જ્યારે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે પણ એવું સૂચન કરવામાં આવ્યું હતું કે વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ના વડા મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી શકે છે. તેજસ્વી યાદવે તાજેતરમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ શાસક પક્ષ અને જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે આને ચૂંટણી યુક્તિ ગણાવીને ફગાવી દીધી હતી. તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે આ વચનને સાબિત કરવા માટે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે.

  • Follow us on: