બજેટ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદભવનમાં વર્ષ 2026નું બજેટ રજૂ કરશે. આપણે સૌ જાણીએ જ છીએ કે બજેટ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત હોય છે. બજેટ તૈયાર થયા પહેલા હલવા સેરેમની થાય છે અને આ સમારોહ પછી જ બજેટ છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે.
શું રાખવામાં આવે છે તકેદારી?
નાણા મંત્રાલયમાં બજેટના પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને સહાયક સ્ટાફ આ સમય દરમિયાન સંપૂર્ણ અઈસોલેટ હોય છે. અધિકારીઓને તેમના ફોનનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં નથી. જ્યાં સુધી બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ તેમના પરિવારને પણ મળી શકતા નથી. આ પ્રકારના અનેક તકેદારીના પગલાઓ બજેટ રજૂ કરતા પહેલા રાખવામાં આવે છે કે જેથી બજેટની વિગતો લીક ન થાય
આઝાદી બાદ બજેટનું પ્રિન્ટીંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતું
પરંતુ વર્ષ 1950માં કેન્દ્રીય બજેટ લીક થઇ ગયું હતું. એ વખતે જ્હોન મથાઈ નાણામંત્રી હતા અને બજેટ લીક થતા સર્વત્ર અફર તફરીનો માહોલ છવાઈ ગયો હતો. એ સમયે બજેટ તૈયાર થયા બાદ તેનું પ્રિન્ટીંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું. બજેટ લીક થયાની આ ઘટના બાદ રાષ્ટ્રપતિ ભવનમાં બજેટ છપાવવાની પરંપરામાં બદલાવ આવ્યો અને સરકારને બજેટ પ્રિન્ટિંગ પ્રક્રિયાને મિન્ટો રોડ પર ખસેડવાની ફરજ પડી હતી. તે બાદ વર્ષ 1980 થી, કેન્દ્રીય બજેટને નોર્થ બ્લોકના ભોંયરામાં છાપવાની શરૂઆત થઇ.
બજેટ કેવી રીતે બને છે?
બજેટની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને લાંબી છે. નાણા મંત્રાલય, નીતિ આયોગ ઉપરાંત અન્ય મંત્રાલયો પણ બજેટ નિર્માણની પ્રક્રિયામાં સંકળાયેલા હોય છે. દર વર્ષે કેન્દ્રીય નાણા મંત્રાલય અન્ય વિભાગો અને મંત્રાલયોને તેમને જરૂરી ભંડોળનો અંદાજ રજુ કરવા માટે કહેતું હોય છે. અલગ અલગ મંત્રાલયો પાસેથી તેમના અહેવાલો આવ્યા બાદ તેને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલય બજેટ તૈયાર કરતુ હોય છે. નાણા મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી ટેક્સ પ્રસ્તાવનો નિર્ણય લેવામાં આવે છે. અને અંતે વડાપ્રધાનની મંજૂરી બાદ બજેટ પ્રિન્ટીંગ માટે તૈયાર થઈ જાય છે.
જ્હોન મથાઈએ રજૂ કર્યા હતા બે બજેટ
બજેટ નાણામંત્રીની સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેઓ આ સમગ્ર પ્રક્રિયામાં ઘણી જ સાવચેતી દાખવે છે. બજેટનો કોઈ હિસ્સો લીક ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. વર્ષ 1950બે બાદ કરતા આજ સુધી ક્યારેય બજેટ લીક થવાની ઘટના બની નથી. જ્હોન મથાઈએ બે બજેટ રજૂ કર્યા હતા. પ્રથમ બજેટ 1949-50 માટે અને ફરીથી 1950-51 માટે. મથાઈએ 1950માં બજેટ રજૂ કર્યા બાદ રાજીનામું આપ્યું હતું કારણકે તેમની વિરુદ્ધ પ્રદર્શનો થઇ રહ્યા હતા. ત્યાર બાદ પ્રિન્ટિંગનું બજેટના પ્રિન્ટીંગનું સ્થળ બદલવામાં આવ્યું હતું અને બજેટ છાપવાની સમગ્ર પ્રક્રિયા મિન્ટો રોડ, નવી દિલ્હી ખાતે શરૂ કરાઈ હતી.
સૌ પ્રથમ બજેટ ક્યારે રજૂ કરાયું?
ત્યારબાદ વર્ષ 1980માં સરકારે નોર્થ બ્લોકમાં પ્રિન્ટીંગ પ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. ત્યારથી નોર્થ બ્લોકના ભોયરામાં જ કેન્દ્રીય બજેટનું પ્રિન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં બજેટ રજૂ કરવાની પરંપરા આઝાદી પહેલાની છે. દેશનું પ્રથમ બજેટ 7 એપ્રિલ, 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. જેમ્સ વિલ્સન નામના સ્કોટિશ અર્થશાસ્ત્રીએ બ્રિટિશ સામ્રાજ્ય સમક્ષ ભારતીય બજેટ રજૂ કર્યું હતું. વિલ્સન ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો કર્મચારી હતો. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તત્કાલિન નાણામંત્રી આરકે સન્મુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ રજુ કર્યું હતું.