દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સંસદના બજેટ સત્રમાંથી એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. 8માં પગાર પંચ (8th Pay Commission) અને પેન્શનના નિયમોમાં ફેરફારને લઈ ચાલી રહેલી તમામ અટકળો પર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે પેન્શનના હાલના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પેન્શનના નિયમો અંગે સરકારે આપી જાણકારી
પેન્શનના નિયમો યથાવત સરકારે ગૃહમાં જાણકારી આપી હતી કે ફાઈનાન્સ બિલ 2025 દ્વારા પેન્શનના નિયમોમાં કોઈ કાપ કે ભેદભાવ કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય કર્મચારીઓનું પેન્શન 'કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ 2021' મુજબ જ ચાલુ રહેશે. સરકારે માત્ર જૂના નિયમોને જ માન્યતા આપી છે, તેથી પેન્શનરોએ ગભરાવાની જરૂર નથી.
8માં પગાર પંચની ભલામણો ક્યારે?
પગાર અને પેન્શનમાં વધારાની રાહ જોતા કર્મચારીઓ માટે સરકારે જણાવ્યું કે, 8માં પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરી દેવામાં આવી છે. આ પંચને પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પેન્શનમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો (Revision) આ પંચની ભલામણો સરકાર દ્વારા સ્વીકાર્યા બાદ જ કરવામાં આવશે.
31 ડિસેમ્બર 2025 પહેલા નિવૃત્ત થનારાઓનું શું?
જે કર્મચારીઓ 31 ડિસેમ્બર 2025 કે તે પહેલા નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને પણ 8માં પગાર પંચનો લાભ મળશે કે કેમ તે અંગે સરકારે જણાવ્યું કે, પેન્શન સુધારણાની પ્રક્રિયા સામાન્ય આદેશો દ્વારા કરવામાં આવે છે. એકવાર પંચનો રિપોર્ટ આવ્યા બાદ જ સુધારણાની કામગીરી શરૂ થશે. આમ, હાલમાં પેન્શનમાં કોઈ ફેરફાર નથી, પરંતુ ભવિષ્યમાં પંચની ભલામણો મુજબ વધારો ચોક્કસ થશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો