લાંબા સમય બાદ સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર વ્યાજ જમા કરવાની મંજૂરી આપી છે. હવે ટૂંક સમયમાં EPFO ગ્રાહકોના ખાતામાં 8.25% વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ મહિના દરમિયાન જ EPF ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF જમા પર 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે. આ મંજૂરી નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવી છે, જેમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા ભલામણ કરાયેલ દરને સ્વીકૃતિ આપવામાં આવી છે.
ક્યારે મળશે EPFનું વ્યાજ?
શ્રમ મંત્રાલય તરફથી EPFOને સૂચના આપવામાં આવી છે કે આ મહિના દરમિયાન જ સભ્યોના ખાતામાં 8.25% વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. આ નિર્ણય 2 માર્ચ 2026ના રોજ કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી CBT બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સાથે સતત ત્રીજા વર્ષે EPF વ્યાજ દર 8.25% પર સ્થિર રાખવામાં આવ્યો છે. સરકાર EPF જમા માટે ગેરંટી આપનાર તરીકે કાર્ય કરે છે, તેથી વ્યાજ જમા કરતા પહેલા નાણાં મંત્રાલયની મંજૂરી જરૂરી હતી.
EPF ધારકો માટે શું અર્થ છે?
આ મંજૂરી બાદ EPFO હવે વર્ષના વ્યાજની રકમ ખાતાઓમાં જમા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. સંસ્થાને અપેક્ષા છે કે તેની નવી ડિજિટલ સિસ્ટમ પ્રક્રિયાને ઝડપી બનાવશે અને યોગ્ય મંજૂરી મળ્યા બાદ તરત જ વ્યાજ જમા થઈ જશે. EPF લાંબા ગાળાની નિવૃત્તિ બચત માટે મહત્વપૂર્ણ યોજના છે, જેમાં દર વર્ષે મળતું વ્યાજ સભ્યોની કુલ બચતમાં ઉમેરાય છે.
કેવો રહ્યો છે EPF વ્યાજ દરનો ઈતિહાસ?
EPFOએ 2024-25 માટે પણ 8.25% વ્યાજ દર યથાવત રાખ્યો છે. અગાઉ 2023-24માં 8.15% થી વધારીને 8.25% કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી દર સ્થિર રાખવામાં આવ્યો છે, જે રોકાણકારોને સ્થિરતા આપે છે. છેલ્લા દાયકામાં EPF વ્યાજ દરમાં અનેક ફેરફાર થયા છે. 2021-22માં તેને ઘટાડીને 8.10% કરવામાં આવ્યો હતો, જે ચાર દાયકામાં સૌથી ઓછો દર હતો. તે પહેલાં 2020-21 અને 2019-20માં 8.5% વ્યાજ મળતું હતું. 2018-19માં 8.65% અને 2017-18માં 8.55% વ્યાજ દર હતો.
આ પણ વાંચો : EPFOના કરોડો ખાતાધારકો માટે ખુશખબર, UPIથી 75 ટકા સુધી રકમ ઉપાડી શકાશે