કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વધુ વિદેશી મૂડી આકર્ષવા માટે સરકાર દ્વારા આગામી સમયમાં વધુ પગલાં લેવામાં આવશે. એક સમિટ દરમિયાન તેમણે કહ્યું કે સરકારી સિક્યોરિટીઝ (જી-સેક)માં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા રોકાણ પર વ્યાજ અને કેપિટલ ગેઈન ટેક્સમાંથી આપવામાં આવેલી છૂટ વિદેશી મૂડીને ફરી ભારત તરફ આકર્ષવાના પ્રયાસોનું પ્રથમ પગલું છે.


સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે

તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયા અહીં અટકવાની નથી અને સરકાર વધુ સુધારાત્મક પગલાં લાવશે. તેમના અનુસાર ભારતને આર્થિક વિકાસ માટે વધુ વિદેશી મૂડીની જરૂર છે. આ દિશામાં RBIએ 5 જૂને બેન્કોને ત્રણથી પાંચ વર્ષની મુદતવાળા ફોરેન કરન્સી નોન-રેસિડન્ટ (બેન્ક) ડિપોઝિટ માટે કરન્સી સ્વેપ સુવિધાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તેના દ્વારા બેન્કો અમેરિકી ડોલર જમા રકમને RBI સાથે સ્વેપ કરીને કરન્સી જોખમનું સંચાલન કરી શકશે.

RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે

આ ઉપરાંત જાહેર ક્ષેત્રની કંપનીઓને વિદેશી વ્યાપારી ધિરાણ (ECB) મેળવવા પ્રોત્સાહિત કરવા માટે રાહત દરે વિદેશી કરન્સી સ્વેપ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. સીતારમણે જણાવ્યું કે RBIના માળખા હેઠળ કરન્સી જોખમનો ખર્ચ RBI ઉઠાવશે, જેથી બેન્કો સરળતાથી નાણાં એકત્રિત કરી શકે.

દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે

તેમણે ચેતવણી આપી કે કાચા માલ, ક્રૂડ ઓઇલ અને ખાતરોની આયાતને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધી રહ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિ દર અઠવાડિયે બદલાઈ રહી છે અને નવી પડકારો ઉભા થઈ રહ્યા છે, તેથી દેશને દરેક સંભવિત આર્થિક આપત્તિ માટે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે વધતા ભૂરાજકીય તણાવ, વૈશ્વિક અર્થતંત્ર અંગેની ચિંતાઓ અને રૂપિયાની નબળાઈ વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) જૂનના પ્રથમ પખવાડિયામાં ભારતીય શેરબજારમાંથી 62,853 કરોડ રૂપિયાથી વધુની વેચવાલી કરી છે. જેના કારણે વર્ષ 2026માં અત્યાર સુધી કુલ ઉપાડ 2.87 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો : CJP Protest: જયપુરમાં કોકરોચ પાર્ટીના સંસ્થાપક પર હુમલો, જાહેરમાં થપ્પડ પડ્યા





  • Follow us on: